આ રીતે રાખો લક્ષ્મી માતાને પ્રસન્ન, ક્યારેય નહીં વર્તાય ધનની કમી…
દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે ધનની દેવી લક્ષ્મીની કૃપા તેના પર વરસતી રહે, તેના ઘરમાં ક્યારેય ધન-ધાન્યની કમી ના વર્તાય. આ માટે દેવી લક્ષ્મીને રિઝવવા માટે જાત જાતના ઉપાયો પણ અજમાવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ મા લક્ષ્મીને રિઝવવાના આવા જ કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. આ ઉપાયો અજમાવવાથી ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો અને મા લક્ષ્મી કાયમ તમારા ઘરમાં વાસ કરે છે. ચાલો સમય વેડફ્યા જાણીએ કે આખરે શું છે આ ઉપાયો-
શંખનો ઉપયોગ કરોઃ હિંદુ ધર્મમાં ઘરના મંદિરમાં શંખ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. શંખને માતા લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે આ જ કારણ છે કે પૂજા સ્થાન પર શંખને અવશ્ય સ્થાન આપો. આ માટે દક્ષિણાવર્તી અને મધ્યવર્તી શંખને શુભ માનવામાં આવે છે. શંખની ઉત્પતિ સમુદ્ર મંથન વખતે થઈ હતી એટલે પૂજાસ્થળે શંખને રાખવાથી માતા લક્ષ્મી હંમેશાં પ્રસન્ન રહે છે અને ઘરમાં ધન-ધાન્યની ભરમાર રહે છે.
ચૌમુખી દીપક પ્રગટાવો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મા લક્ષ્મીની પૂજા કરતાં સમયે મંદિરમાં ચૌમુખી દીપક ચોક્કસ પ્રગટાવવો જોઈએ. પૂજામાં આવું કરવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. દીપક પ્રગટાવવા પાછળની માન્યતા વિશે વાત કરીએ તો આવું કરવાથી ક્યારેય ધનનો વેડફાટ નથી થતો.
ભગવાન વિષ્ણુની પ્રતિમાની સ્થાપના એવી માન્યતા છે કે જે ઘરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા હોય છે એ ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી વર્તાતી. માતા લક્ષ્મી અને વિષ્ણુનું એક સાથે હોવું ખૂબ જ જરૂર છે. આ સાથે જ દરરોજ તેમની પૂજા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને મા લક્ષ્મીનો વાસ રહે છે.
કમળના ફૂલનો ઉપયોગ કરો ધનની દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે અને એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પૂજા કરતી વખતે લક્ષ્મી માને કમળનું ફૂલ અવશ્ય ચઢાવવું જોઈએ જેથી કારોબારમાં બરકત રહેશે અને જો કોઈ વ્યક્તિને કોઈ ક્ષેત્રમાં આર્થિક નુકસાન થઈ રહ્યું હશે તો તેમાંથી છુટકારો મળશે.