બનાસકાંઠા જિલ્લાનું ‘વિભાજન’: ગુજરાતમાં વધુ એક જિલ્લો ઉમેરાયો
ગુજરાત રાજ્યમાં હાલમાં 33 જિલ્લા છે, જ્યારે વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી છે. બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવશે. આ અંગે ગુજરાત કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી છે અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં જાહેરાત કરવામાં આવશે. હાલમાં 33 જિલ્લા છે, જ્યારે બનાસકાંઠાના બે ભાગ પાડતા નવો જિલ્લો ઉમેરાતા કૂલ 34 જિલ્લા થશે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે, જેમાં વાવ-થરાદ નવો જિલ્લો બનાવવાની માગ કરવામાં આવી હતી. નવા જિલ્લામાં આઠ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે થરાદને વડુ મથક બનાવવાની જાહેરાત કરી છે. બનાસકાંઠામાં પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા રહેશે, જ્યારે નવા વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ રહેશે.
અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ 33 જિલ્લા આવેલા છે. રાજ્યમાં સૌથી મોટો જિલ્લો કચ્છ અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. શહેરી મહાનગર સાથે જિલ્લાની વાત કરીએ અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે વસ્તી અને ડાંગ જિલ્લામાં સથી ઓછી જનસંખ્યા છે. બનાસકાંઠા જિલ્લો ગુજરાતના 33 જિલ્લા પૈકીનો એક છે. જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે, જ્યારે ઉત્તર પૂર્વમાં આવેલો છે. રાજસ્થાનના માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળામાંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી બનાસકાંઠા નામ આપવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાંથી આઠ તાલુકા અને ચાર નગરપાલિકાનો પ્રસ્તાવિત વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે. બનાસકાંઠામાં સૌથી વધુ તાલુકા ધરાવે છે, જ્યારે વિસ્તારની દૃષ્ટિએ પણ બીજા નંબરનો છે. વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટાડવા અને વહીવટી સવલતોને સુગમ બનાવવા માટે જનહિતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
નવા વર્ષના આગમન સાથે ગુજરાતના જિલ્લામાં વધારો થવાની સાથે નવ નવી મહાનગરપાલિકાને મંજૂરી મળતા રાજ્યમાં કૂલ 17 મહાનગરપાલિકા બની છે. ગુજરાત રાજ્યમાં પચાસ ટકા કરતા વધુ શહેરીકરણ થયું છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવ્યો છે. વાવ-થરાદને જિલ્લો બનાવવાને કારણે થરાદ સહિતના પાંચ તાલુકાનો વિકાસ થશે, જ્યારે લોકની સુવિધા સાથે રોજગારીની પણ તકો વધશે, તેથી આ નિર્ણય યોગ્ય છે. સરકારના આ નિર્ણયથી વિપરીત કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો.
