Sunday Special: વ્હિલચેર પર બેસીને 14 દેશની મુસાફરી કરીને દિવ્યાંગ પ્રવાસીએ ભારતનું નામ કર્યું રોશન…
દુનિયામાં હિંમત અને કંઈક નોખું કરવાની ઈચ્છા હોય તો વ્યક્તિને કોઈ સીમા-મર્યાદાઓ અવરોધરુપ બનતી નથી. વ્યક્તિએ બસ કંઈક કરવાની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ, જ્યારે એના માટે હિંમત અને ધગશની જરુર હોય તો ચોક્કસ સફળતા મળે છે. વાત કરીએ એવા ટ્રાવેલરની જે દિવ્યાંગો માટે પણ મિશાલ બની શકે છે. બિહારનો સોલો ટ્રાવેલરે પોતાની મહેનતને કારણે એક નહીં 14 દેશની યાત્રા કરી છે, જ્યારે આ સિદ્ધિ પણ વિના કોઈની મદદ હાંસલ કરી છે. પહેલી વાત તો મનમાં થાય કે દિવ્યાંગ વ્યક્તિ એકલી ટ્રાવેલ કરી શકે પણ હકીકત છે.
મૂળ બિહારનો રહેવાસી છે હસન ઈમામ
ઈન્સ્ટાગ્રામ યૂઝર સાફના મોહમ્મદે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક દિવ્યાંગ વ્યક્તિ વ્હીલચેર પર બેસીને મુસાફરી કરે છે. આ શખસનું નામ છે હસન ઈમામ, જે સોશિયલ મીડિયા પર નોમેડિક ડિસએબલ્ડ (@nomadic_disabled)નામથી ઓળખવામાં આવે છે. હસન મૂળ તો બિહારનો રહેવાસી છે, જ્યારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. હસને વ્હિલચેર પર બેસીને 14 દેશનો પ્રવાસ કરીને ભારતનું નામ રોશન કર્યું છે.
અનેક પડકારો વચ્ચે એકલા પ્રવાસ કરીને સિદ્ધિ હાંસલ કરી
ઈમામ હસને પુરવાર કર્યું છે કે જો જૂનૂન હોય તો સફળતાની મંજિલ હાંસલ કરી શકાય છે. ‘સોલો ટ્રાવેલર’ હસન ઈમામે એક-એક કરતા 14 દેશની મુસાફરી કરી છે. એક-એક દેશની મુલાકાત વખતે તેને અલગ અલગ દેશની સંસ્કૃતિ, પરંપરા, ખાણી-પીણી જાણવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તેની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પણ શારીરિક રીતે વિકલાંગ હોવા છતાં પણ પોતાના સપના પૂરા કરી શકે છે. પોતાના સપનાને પૂરા કરવા માટે કોઈ પણ બાબત અવરોધરુપ બની શકે નહીં. અનેક પડકારો વચ્ચે પણ સાહસની સાથે અનેક દેશનો પ્રવાસ એકલપંડે કર્યો છે.
વર્લ્ડટ્રિપ ઓન વ્હિલચેર
ઈમામ હસને જણાવ્યું હતું કે મારા સપનાને પૂરું કરવા માટે અનેક પડકારોનો સામનો કરવાની નોબત આવી હતી. વ્હિલચેર પર બેસીને અલગ અલગ દેશની સંસ્કૃતિને સમજવા માટે ક્યારેય પાછીપાની કરી નહોતી પણ એમાં અનેક મુશ્કેલી પડી હતી. આત્મવિશ્વાસસભર હસને બે વર્ષમાં 13 દેશનો પ્રવાસ કર્યો અને હાલમાં 14મો ચાલુ છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાની ઓળખ માટે લખ્યું છે વર્લ્ડટ્રિપ ઓન વ્હિલચેર.
‘નોમેડિક ડિસએબલ્ડ’ નામના એકાઉન્ટ પર પોસ્ટ લખી અને કેપ્શન આપ્યું છે કે બે વર્ષમાં 13 દેશની મુસાફરી કરી છે અને 14માની શરુઆત કરી છે. આ એક યાત્રા નથી, પરંતુ દુનિયાને જણાવવાનું છે કે કોઈ દિવ્યાંગ વ્યક્તિ ધારે એ કરી શકે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં નવ લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 56,000થી વધુ લોકોએ લાઈક આપી હતી, જ્યારે વીડિયોને જોઈને લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.