હેં, કચ્છના ઊંટ તરતા તરતા દ્વારકા પહોંચી ગયા? જાણો શું છે આખી હકીકત…
ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે એક ચોંકાવનારો બનાવ બન્યો છે, જ્યારે એનું રાજ્યના લોકોને જ નહીં પ્રાણીપ્રેમીઓમાં આશ્ચર્ય થયું હતું. વાત જાણે એમ છે કે કચ્છના દીનદયાલ પાર્ટ પરથી થોડા દિવસો પહેલા કેટલાક ઊંટ તણાયા હતા અને હવે દ્વારકાના વાડીનાર પોર્ટ પરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતાં, જેનાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આ ઊંટ તણાયા કે તરીને પણ સેંકડો કિલોમીટર દ્વારકા કઈ રીતે પહોંચ્યા એનું સૌને આશ્ચર્ય હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વાડીનાર પોર્ટ પર મંગળવારે બપોરના સમયે દરિયામાં એકસાથે 10 જેટલા ઊંટ પાણીના પ્રવાહમાં તણાઈને આવ્યા હતા. જેથી આ ઊંટને જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. બચાવવામાં આવેલા આશરે દસેક જેટલા ઊંટ સિંગચ ગામના માલધારીના હોય એવી પ્રાથમિક માહિતી મળતાની સાથે વહીવટી તંત્ર અને પોલીસે કામગીરી શરૂ કરી દીધી હતી. વાડીનારના દીનદયાલ બંદર પર દરિયામાંથી ઊંટ તણાઈ આવતા પોલીસ દ્વારા ઊંટના ટોળાનું રૅસ્ક્યૂ કરી મૂળ માલિકને ઊંટ સોંપવાની કામગીરી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં ભારે વરસાદને કારણે જનજીવન પર અસર પડી છે ત્યારે જાનવરો પણ બાકાત નથી. અમરેલી અને ગીરમાં છાશવારે સિંહો પોતાના રસાલા સાથે જાહેર રસ્તાઓ પર જોવા મળે. છે. ત્યારે ભારે વરસાદ વચ્ચે દરિયામાં આવી રીતે એકસાથે 10 ઊંટ પાણીમાં તણાઈને આવવાની ઘટના જોઈને લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. કારણ કે, ચોમાસાને લીધે દરિયામાં ભારે કરન્ટ હોવાથી માછીમારો કે દરિયામાં ફરતી બોટ પણ તરી નથી શકતી ત્યારે આટલી મોટી સંખ્યામાં ઊંટ કઈ રીતે આવ્યા એવું લોકો વિચારી રહ્યા હતા. આ બાબતને લઇને પોલીસ પ્રશાસન અને તંત્ર પણ સાવધ બનીને કામગીરી હાથ ધરી દેવામાં આવી છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઊંટ સિંગચ ગામના માલધારીઓના હોવાની માહિતી મળી હતી. એવું કહેવાય છે કે ખારાઈ ઊંટની પ્રજાતિ એવી છે દરિયામાં તરી શકે છે. મૂળ કચ્છના ખારાઈ પ્રજાતિના ઊંટ પાણીમાં તરી શકે છે. એટલું જ નહીં, પોતાના ચારો ચરવા માટે દરિયામાં જાય છે અને ચેરના વૃક્ષોના ચારો ચરતા હોય છે. આ પ્રકારની પ્રજાતિ ખાસ કરીને કચ્છના ભચાઉ તાલુકામાં ચિરઈથી વોંધ, આંબલિયારા અને સુરજબારી સુધીના દરિયાઈ પ્રદેશમાં જોવા મલે છે, જ્યારે ભારત સરકારે પણ ઊંટની આ પ્રજાતિને રાષ્ટ્રીય માન્યતા આપી છે.
