નવજીવનઃ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પરિવારે મીડિયાને કરી ખાસ અપીલ
89 વર્ષના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા અપાઈ; મંગળવારે નિધનના સમાચારોને કારણે ઊભી થઈ હતી ગેરસમજ
મુંબઈઃ 89 વર્ષના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. હીમેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપતા પરિવારની સાથે તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે. બોલીવુડના અનેક એવા કલાકારો છે, જેમની અનેક વખત નિધનના અહેવાલો વચ્ચે સાજા હોવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હવે ધર્મેન્દ્રનું નામ પણ જોડાયું છે. જાણીતા કલાકારોમાં દિલીપ કુમાર, અસરાની સહિત જોની લીવરના નિધન અંગે અવારનવાર સમાચારો સોશિયલ મીડિયામાં આવ્યા પછી પરિવારને સ્પષ્ટતા કરી હતી.
હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી દીકરા સની દેઓલ અને બોબી દેઓલ સહિત પરિવારના સભ્યોએ ઘરે લઈ જવાનો નિર્ણય લીધો હતો. ઘરે સારવાર કરવામાં આવશે અને ઝડપથી રિકવર થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવાર વતીથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મંગળવારે નિધનના સમાચાર પછી હેમા માલિની અને દીકરીએ સ્પષ્ટતા કરી છે ધર્મેન્દ્ર જીવતા છે તથા અફવા ફેલાવનારા વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર નિધનના સમાચાર વાયુવેગે ફેલાયા કે દેશના સંરક્ષણ પ્રધાન સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી દીધી હતી.
ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા પછી આજે સવારે પરિવાર ફરી સત્તાવાર નિવેદન આપ્યું હતું, જેમાં કહ્યું હતું કે મિસ્ટર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા મળી છે અને તેમની સારવાર ઘરે થશે. અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની અટકળો કરવામાં આવે નહીં. પરિવારની પ્રાઈવસીનો રિસ્પેક્ટ કરો. આજે સવારે રજા આપ્યા પછી બોબી દેઓલ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ધર્મેન્દ્રને એમ્બ્યુલન્સ મારફત ઘરે લઈ જવા રવાના થયા હતા, ત્યાર બાદ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે પહેલી નવેમ્બરના ધર્મેન્દ્રની તબિયત લથડ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત દિવસે દિવસે વધુ બગડી હોવાના સમાચાર પણ મીડિયામાં મળતા હતા. બીજી બાજુ હોસ્પિટલમાં ધર્મેન્દ્રની ખબર કાઢવા માટે બોલીવુડના કલાકારમાં સલમાન, શાહરુખ, આમીર ખાન સહિત અન્ય કલાકારો પણ પહોંચ્યા હતા.
ધર્મેન્દ્ર સિનેમાના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંથી એક હતા. ફિલ્મી દુનિયામાં સાત દાયકાથી વધુની લાંબી કારકિર્દીમાં ધર્મેન્દ્રએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ‘શોલે’ ‘ચુપકે ચુપકે’, ‘સીતા ઔર ગીતા’, ‘ધરમ વીર’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. ધર્મેન્દ્રની ફિલ્મી ડાયલોગ્સ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને ‘શોલે’ ફિલ્મનો તેમનો ડાયલોગ ‘બંસતી ઇન કુત્તો કે આગે મત નાચના’ આજે પણ ખૂબ જ હિટ છે. કમીની કૂતો મેં તેરા ખૂન પી જાઉગા સહિત અનેક ડાયલોગ્સને લઈ આજે પણ લોકહૃદયમાં સ્થાન ધરાવે છે.
