સંતોષ દેશમુખ હત્યાકાંડમાં મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ આપ્યું રાજીનામું
મહારાષ્ટ્રમાં સરપંચની હત્યા કેસમાં કથિત સંડોવણી મુદ્દે આખરે મહારાષ્ટ્રના મંત્રીએ રાજીનામું આપવાનો વખત આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું સ્વીકારી લીધું છે અને રાજીનામા માટે જોરદાર દબાણ કરવામાં આવ્યા પછી રાજીનામું આપ્યું છે. આ બાબતમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખુદ અજિત પવાર અને પ્રફુલ્લ પટેલને પત્ર લખ્યો હતો. બેઠકમાં એક વાત નક્કી કરવામાં આવી હતી કે ધનંજય મુંડેની વિદાય નક્કી છે.
આ કેસને લઈ મહાયુતિના પક્ષો પણ વિમાસણમાં મુકાયા હતા. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કેમ્પના નેતા તો ધનંજય મુંડેનું તાત્કાલિક રાજીનામું ઈચ્છતા હતા, પરંતુ ગઠબંધન ધર્મને કારણે અવરોધ ઊભો થયો હતો, પરંતુ આજે અચાનક રાજીનામું આપ્યું છે. આ કેસમાં મુંડેના નજીકના લોકોની ધરપકડ કરવામાં આવ્યા પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે મુંડેને પણ રાજીનામું આપવું પડશે. આ રાજીનામા મુદ્દે મુંડેએ કોઈ પ્રતિક્રિયા પણ આપી નથી.
દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મને મુંડેનું રાજીનામું મળ્યું છે અને રાજ્યપાલને સોંપવામાં આવ્યું છે. અહીં એ જણાવવાનું કે થોડા દિવસ પહેલા ચાર્જશીટનો એક ભાગ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વાલ્મીક કરાડના સાથીઓ દ્વારા સંતોષ દેશમુખની હત્યા કરવાની કોશિશ કરવામાં આવી હતી. આ બબાલ પછી સીએમ ફડણવીસે સુનીલ તટકરે, ધનંજય મુંડે અને ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેની સાથે બેઠક કરી હતી. આ મુદ્દે ફડણવીસે પણ પોતાનું નિવેદન આપ્યું હતું.
બીડ જિલ્લાના મસાજોગ ગામના સરપંચની હત્યાના કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. આ હત્યાના આરોપ મહારાષ્ટ્રના સહકાર મંત્રી ધનંજય મુંડેના નજીકના સંબંધી વાલ્મીક કરાડ અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે મહારાષ્ટ્ર સરકારે સંતોષ દેશમુખ હત્યા કેસમાં મુંડેની સામે સરકારે આકરી કાર્યવાહી હાથ ધરી છે. સંતોષ દેશમુખની હત્યાના કિસ્સામાં તમામ આરોપીને મુંડેના નજીકના છે, જ્યારે વાલ્મીક કરાડ પણ પોતાની નજીકની વ્યક્તિ હોવાનું પણ મુંડેએ જણાવ્યું હતું. ગયા વર્ષે માસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખના અપહરણ પછી હત્યા કરવામાં આવી હતી. એક ઊર્જા કંપની પાસે પૈસા વસૂલાતની કોશિશને નિષ્ફળ બનાવ્યા પછી અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હત્યા થઈ હતી.