February 13, 2026
નેશનલ

મા જ બની વેરી: પાટનગરમાં માતાએ 9 દિવસની દીકરીની હત્યા કરી નાખી, કારણ…

Spread the love

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની કાળજું કંપાવનારી ઘટના બની છે. આ ઘટનામાં માતાએ જ પોતાની 9 દિવસની દીકરીનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી. ઘટના સમયે 18 મહિનાનો દીકરો પણ ઘરમાં હાજર હતો. આ દીકરાના મન પર ખોટી અસર ન પડે એટલે મહિલાને બીજા રૂમમાં જઈને દીકરીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. પતિ જ્યારે ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે તેણે લોહીના ખાબોચિયામાં નવજાત દીકરીનો મૃતદેહ જોયો હતો.
દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઘટના દિલ્હીના મુંડકા વિસ્તારમાં બની હતી. 22 વર્ષીય મહિલાએ પોતાની નવજાત દીકરીની હત્યા કરી નાખી હતી અને તેનું કારણ હતું કે તેને આ દીકરી નહોતી જોઈતી.
ચોંકાવનારી બાબત તો એ છે કે જ્યારે મહિલાએ પોતાની 9 દિવસની દીકરીની હત્યા કરી એ સમયે તેનો 18 મહિનાનો દીકરો ઘરમાં જ હતો. દીકરાના મન પર ખોટી અસર ન પડે એટલે મહિલાએ બીજા રૂમમાં જઈને છરીથી દીકરીનું ગળું કાપી નાખ્યું હતું.
મહિલાના પતિએ પોલીસમાં પત્ની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પતિએ પત્ની પર આક્ષેપ મૂક્યો છે કે જ્યારે તે ઓફિસથી ઘરે આવ્યો ત્યારે તેને પોતાની દીકરીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. આ જોઈને પતિ ચોંકી ગયો હતો. તેણે જ્યારે પત્નીને આવું કરવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેને દીકરીને દૂધ નહોતું પીવડાવવું એટલે તેણે પોતાની દીકરીને હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં, મહિલાએ પતિને એવું પણ જણાવ્યું હતું કે તેને આ દીકરી નહોતી જોઈતી.
ત્રણ વર્ષ પહેલાં જ મહિલાના લગ્ન થયા હતા. મહિલાનો પતિ હરિયાણાની એક શૂઝ ફેકટરીમાં નોકરી કરતો હોવાનું પણ પોલીસે વધુમાં જણાવ્યું હતું. પતિની ફરિયાદ બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી હતી અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સમગ્ર બનાવની તપાસ કરવા માટે ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ હાથ ધવામાં આવી હતી. ચાકુ પણ પોલીસે રિકવર કર્યું હતું. આરોપી માતાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!