Delhi Stampede: આરપીએફના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
અકસ્માતોની વણઝાર અને નાસભાગની લટકતી તલવારઃ રેલવે માટે એલાર્મ કોલ
ભારતીય રેલવે સસ્તા અને ઝડપી પરિવહન માટે ઉત્તમ સાધન છે, પણ વધતા અકસ્માતો અને નાસભાગ માટે રેલવે સ્ટેશન શિકાર બને નહીં તેના માટે રેલવે મંત્રાલયે સઘન પગલાં ભરવાનો વખત આવી ગયો છે. રેલવેને હાઈ સ્પીડનો મંત્ર આપીને ક્યાંક કાચુ કપાતું નથી એ પણ જોવાની જરુરિયાત છે. મહાકુંભ માટે રેલવેએ હજારો ટ્રેન દોડાવવાની જાહેરાત કર્યા પછી પ્રયાગરાજ સ્ટેશનથી લઈને દિલ્હી, કોલકાતા, અમદાવાદ સ્ટેશનની ક્ષમતા જોવાનું જરુરી છે.
મૂળ વાત નવી દિલ્હી રેલવે સ્ટેશન પરની ભાગદોડમાં 18 લોકોના મોત થયા પછી રેલવે પ્રશાસન ફક્ત ખોટી ખોટી જાહેરાતો કરીને લોકોને મિસગાઈડ કરવાનું બાકી રાખ્યું હતું. અકસ્માતના મોડી રાત સુધી હકીકતની અવગણના કરીને મૃતકો અંગે આંક આડા કાન કર્યા હતા. સોમવારે પણ રેલવે પ્રધાને રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરા રજૂ કર્યા પછી મંગળવારે આરપીએફના રિપોર્ટે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
નવી દિલ્હી રેલવે સ્ટેશનની દુર્ઘટનાને લઈ આરપીએફે ચોંકાવનારો રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કર્યો હતો કે રાતના આઠ વાગ્યે શિવગંગા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર બારથી રવાના થયા પછી પ્લેટફોર્મ પર પ્રવાસીઓની ભીડ જમા થવા લાગી હતી. પ્લેટફોર્મ 12, 13, 14, 15 અને 17 પર પ્રવાસીઓની જોરદાર ભીડ જામી હતી. એ વખતે આરપીએફ ઈન્સ્પેક્ટરે સ્ટેશન ડાયરેક્ટરને સ્પેશિયલ ટ્રેન દોડાવવાની સલાહ આપી હતી.
એટલું જ નહીં, વધતી ભીડને કારણે આરપીએફે પ્રયાગરાજ માટે દર કલાકે 1,500 ટિકિટ વેચતી રેલવેની ટીમને ટિકિટના વેચાણ માટે રોક લગાવવાની અપીલ કરી હતી. રાતના 8.45 વાગ્યે એનાઉન્સમેન્ટ કરવામાં આવી કે પ્રયાગરાજ માટેની કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર બારથી જશે, પરંતુ એના થોડા સમય પછી સ્ટેશન પર જાહેરાત કરવામાં આવી કે કુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 16 પરથી જશે, એના પછી પ્રવાસીઓમાં નાસભાગ થઈ હતી. ધક્કામુક્કીને કારણે ભાગદોડમાં લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના રાતના 8.48 વાગ્યે બની હતી. રેલવેએ આ પ્રકારની નાસભાગ થાય નહીં તેના માટે તકેદારીના પગલાં ભરવાનો અનુરોધ કર્યો હતો.
હકીકતમાં રેલવેની રહી રહીને આંખો ખૂલી છે. ઘોડા છૂટી ગયા પછી બુદ્ધિ સૂઝી છે, પણ ભારતમાં દર વર્ષે તહેવારોમાં રેલવે સ્ટેશનો પર હજારોની ભીડ થાય છે. દિવાળી હોય કે છઠ્ઠના પ્લેટફોર્મની ટિકિટ વેચવાનું બંધ કરાય છે, પરંતુ મુંબઈ, કોલકાતા, ચેન્નઈ વગેરે મહાનગરોની મેટ્રો હોય કે લોકલ ટ્રેનમાં પીક અવર્સમાં સ્ટેમ્પેડની સ્થિતિ ઊભી થતી હોય છે એનું નિવારણ લાવવાનું પણ જરુરી છે. બાકી રેલવે ફક્ત કહેવા પૂરતા તપાસ કરવાની જાહેરાતો કરીને નિર્દોષ લોકોના જીવ સાથે રમવાનું બંધ કરવું જોઈએ.