Delhi New CM Controversy: રેખા ગુપ્તા આ વાતને લઈ ‘વિવાદ’માં આવ્યા હતા…
હરિયાણાથી લઈને પાટનગર સુધીની દિલ્હીનાં નવા મુખ્ય પ્રધાનની સફર કેવી રહી છે?
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામના લગભગ બાર દિવસ પછી ભારતીય જનતા પાર્ટીને મુખ્ય પ્રધાન તરીકે રેખા ગુપ્તાના નામ પર મહોર મારી છે. બાર દિવસ વચ્ચે રાષ્ટ્રીય સ્તરે અનેક ઉથલપાથલ થઈ, જેમાં એક તો સૌથી મોટી હોનારતનો સમાવેશ હતો. દિલ્હી રેલવે સ્ટેશન પર સ્ટેમ્પેડને કારણે અઢાર લોકોના મોત થયા હતા, જ્યારે વડા પ્રધાન પણ વિદેશ પ્રવાસે હતા, તેથી મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવામાં વિલંબ કર્યો અને પાર્ટીએ નામ જાહેર કરવામાં સસ્પેન્સ ઊભું કરવું પડ્યું. ખેર, મુખ્ય પ્રધાન તરીકે રેખા ગુપ્તાની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે. પ્રવેશ વર્મા, રેખા ગુપ્તા સહિત પાંચ નામમાંથી આખરી મહિલા મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરીને નિષ્ણાતોને અચરજમાં મૂક્યા છે, પરંતુ અન્ય રાજ્યની પેર્ટન માફક બબ્બે નાયબ મુખ્ય પ્રધાનને જાહેર કરે તો નવાઈ નહીં.
2023માં ‘આપ’ના કોર્પોરેટર સાથે થયો હતો વિવાદ
હાલમાં તો રેખા ગુપ્તાની વાત કરીએ તો દિલ્હીના જ લોકો નહીં, પરંતુ સમગ્ર દેશવાસીઓના મોંઢે તેમનું નામ વસ્યું છે. આ એ જ રેખા ગુપ્તા છે, જેમને આમ આદમી પાર્ટી (આપ)ના કોર્પોરેટરને થપ્પડ મારી દીધી હતી, જ્યારે એને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. 2023માં રેખા ગુપ્તાને દિલ્હી ભાજપનાં એમસીડીના મેયર જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે ભાજપ અને આપના કોર્પોરેટર્સની વચ્ચે જોરદાર ધમાલ થઈ હતી. બંને પક્ષ વચ્ચેની ધમાલ વચ્ચે એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં રેખા ગુપ્તાએ એક કોર્પોરેટરને થપ્પડ મારી દીધી હતી. આ થપ્પડ કાંડને આજે લોકોને ફરી યાદ આવ્યું છે.
બે વખત વિધાનસભાની ચૂંટણી હાર્યા હતા
નવા સીએમની સિદ્ધિઓ અને રાજકીય કારકિર્દીની વાત કરીએ તો રેખા ગુપ્તા ભાજપના એવા નેતા છે, જેઓ સતત બે વખત ચૂંટણીમાં હાર્યાં હતા. આમ છતાં ભારતીય જનતા પાર્ટીએ તેમને ત્રીજી વખત ટિકિટ આપી હતી અને ચૂંટણી જીત્યા હતા. એટલું જ નહીં, રેખા ગુપ્તાને દિલ્હી મહાનગરપાલિકાના મેયર તરીકે ઊભા રાખવામાં આવ્યા હતા, પરંતુ એ ચૂંટણીમાં હાર્યા હતા. તેઓ ત્રણ-ત્રણ વખત દિલ્હી પાલિકાના ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.
હરિયાણામાં જન્મેલા રેખા ગુપ્તાએ એલએલબી કર્યું છે
રેખા ગુપ્તાનો જન્મ 1974માં હરિયાણાના જીંદ જિલ્લામાં થયો હતો. બાળપણથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે જોડાયેલાં હતાં. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બીકૉમ અને એલએલબી કર્યું છે. 1998માં તેમનાં લગ્ન દિલ્હીના નિવાસી મનીષ ગુપ્તા સાથે થયાં છે. ચૂંટણીપંચના દાખલ સોગંદનામા અનુસાર વર્ષ 2023-24 નાણાકીય વર્ષમાં તેમની કુલ આવક 6,92,050 દર્શાવાઈ છે. જ્યારે આ સમયમાં તેમના પતિ મનીષ ગુપ્તાની આવક 97,33,570 દર્શાવાઈ છે.
દિલ્હીના ચોથા મહિલા મુખ્ય પ્રધાન બન્યાં
દિલ્હીમાં રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્ય પ્રધાન છે. આ અગાઉ સૌથી પહેલા સુષ્મા સ્વરાજ, શિલા દીક્ષિત અને આતિશી પછી રેખા ગુપ્તા આજે શપથ લેશે. દિલ્હીની શાલીમાર બાગ સીટ પરથી આ વખતે ચૂંટણી જીત્યા હતા. આ વખતની ચૂંટણીમાં ભાજપે આમ આદમી પાર્ટીને મોટા અંતરથી હરાવ્યું હતું. ભાજપને 48 બેઠક પર વિજય મળ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીને 22 સીટ મળી હતી. આ વિજયને કારણે 27 વર્ષ પછી ભાજપ ફરી સત્તામાં આવ્યું છે.