આમ આદમી પાર્ટીને કચડી નાખવા વડા પ્રધાને કોઈ કસર બાકી રાખી નહીઃ કેજરીવાલ
પહેલી કોન્ફરન્સમાં કેજરીવાલનો મોદી સરકાર પર કર્યો પ્રહાર, ભાજપને ક્યાં પડશે ફટકો?
નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે કેનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિર ગયા હતા. મંદિરમાં પૂજાપાઠ કરીને હનુમાન આશીર્વાદ લીધા હતા. કેજરીવાલની સાથે તેમના પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન સહિત આમ આદમી પાર્ટી (આપ)ના નેતા હાજર રહ્યા હતા.
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું સીધો જેલમાંથી આવી રહ્યો છો. હમણા હું પરિવાર સાથે હનુમાનજી, શિવજી અને શનિ મહારાજની પૂજા કરીને આવું છે. હનુમાનજીની અમારા પર વિશેષ કૃપા રહી અને કોઈને અપેક્ષા પણ નહોતી કે હું જેલમાંથી છૂટીશ. પણ બહાર આવ્યો.
અમારી પાર્ટી નાની નાર્ટી છે. બે રાજ્યમાં અને 10 વર્ષ જૂની પાર્ટી છે. સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આમ આદમી પાર્ટી (આપ)ને કચડી નાખવાનો વડા પ્રધાનમોદીજીએ કોઈ કસર બાકી રાખી નહોતી. અમારી પાર્ટીના ચાર નેતાને જેલમાં નાખ્યા. મોટી મોટી પાર્ટીના નેતાઓને પણ જેલમાં નાખો અને પાર્ટી ખતમ થઈ જાય. પણ આમ આદમી પાર્ટી વિચાર છે એને ખતમ કરવાનું જેટલું વિચારશો તો એટલી આગળ વધશે. જે લોકો મોદીજીને મળવા જાય છે એ લોકો પણ મોદીજીને પહેલા કેજરીવાલ અને આમ આદમી પાર્ટી અંગે વાત કરે છે.
આમ આદમી પાર્ટીની કચેરીમાં પ્રેસ કોન્ફરન્સ પહેલા હજારો સમર્થકો અને પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થવાથી સમગ્ર પરિસરમાં ભીડ જામી હતી. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું હતું કે આ કોઈ પ્રેસ કોન્ફરન્સ નહીં, પરંતુ રેલી બની ગઈ. અરવિંદ કેજરીવાલ એક વ્યક્તિ નહીં વિચાર છે. કોઈ વ્યક્તિની ધરપકડ કરી લેશો પણ વિચારને કઈ રીતે પકડશો. ભાજપની ટીકા કરતા કહ્યું કે આ વખતે 400 પાર નહીં પણ ભાજપના દિવસો ભરાઈ ગયા. વિપક્ષના નેતાને જેલમાં નાખીને ચૂંટણી જીતવા માગો છો પણ જનતા બધુ જાણે છે.
તેમણે કાર્યકર્તાઓને 12થી અઢાર કલાક કામ કરવાની અપીલ કરી હતી. અરવિંદ કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી બહાર આવ્યા પછી પહેલા હનુમાન મંદિરમાં દર્શન કરવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. બીજી જૂનના સરેન્ડર કરવાનું રહેશે.
જામીન દરમિયાન કેજરીવાલ સીએમ ઓફિસ જઈ શકશે નહીં તેમ જ એલજીની મંજૂરી વિના કોઈ પણ ફાઈલના હસ્તાક્ષર કરી શકશે નહીં. આજથી અરવિંદ કેજરીવાલ માટે પ્રચારના પૂરા 20 દિવસનો સમય છે. આજે દક્ષિણ દિલ્હીના મહરોલી રોડ સાથે કૃષ્ણાનગરમાં રોડ શો કરશે. આ રોડ શોમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન પણ રોડ શોમાં હાજર રહેશે.
અરવિંદ કેજરીવાલ લોકસભાની ચૂંટણીમાં અઢાર બેઠક પર અસર કરી શકે છે. વાસ્તવમાં કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન અન્વયે આમ આદમી પાર્ટી દિલ્હીની ચાર બેઠક પર ચૂંટણી લડી રહી છે. એના સિવાય ત્રણ સીટ પર કોંગ્રેસ પાર્ટી છે. આમ આદમી પાર્ટીના ખાતામાં ચાર સીટ પર કેજરીવાલ સીધી અસર કરી શકે છે અને ચૂંટણીમાં હારજીતનું ફેક્ટર બની શકે છે.
આ ઉપરાંત, પંજાબની 13 અને હરિયાણાની એક માત્ર કુરુક્ષેત્રની સીટ પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં છે, જ્યાં કદાચ કેજરીવાલ પોતાનો જાદુ પાથરે તો નવાઈ નહીં. દિલ્હી સાથે હરિયાણાની કુરુક્ષેત્રની બેઠક પર પચીસમી મેના ચૂંટણી છે, જ્યારે પંજાબની 13 બેઠક પર પહેલી જૂનના મતદાન રહેશે.