દિલ્હીએ તોડ્યા ગરમીના તમામ રેકોર્ડ, રવિવારે નોંધાયો સિઝનનો સૌથી ગરમ દિવસ
આગામી 7 દિવસ સુધી લુ પડશે: IMD
નવી દિલ્હીઃ આખો દેશ હાલમાં ભીષણ ગરમીની ચપેટમાં છે અને દેશની રાજધાની દિલ્હી સહિત દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ નાગરિકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં રવિવારના દિવસે સવારે સાત મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને આ તાપમાન આ સિઝનનું સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર નોંધાયું હોવાની માહિતી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી હતી.
હવામાન ખાતા દ્વારા આ મામલે આગાહી કરતાં જણાવવામાં આવ્યું હતું કે હજી પણ આગામી અઠવાડિયા સુધી દિલ્હીવાસીઓને આ ગરમીથી રાહત નહીં મળે, કારણ કે રાજસ્થાનથી આવી રહેલી ગરમ હવાઓને કારણે દિલ્હીવાસીઓને વધારે ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. રવિવારના દિવસે દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45થી 47 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું હતું.
ભારતીય હવામાન ખાતા (IMD) એ દિલ્હીના અનેક વિસ્તારમાં લુ લાગવાની આગાહી કરી છે, અને એની સાથે સાથે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા અમુક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને 25થી 30 કિલોમીટરની સ્પીડથી પવન ફુંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવાની ભલામણ કરવામાં આવી છે. બાળકો, વૃદ્ધો તેમ જ બીમાર વ્યક્તિની ખાસ કાળજી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.
ગરમીથી બચવા આટલું કરો
નિષ્ણાતો દ્વારા આ ગરમીમાં લુ અને હીટ સ્ટ્રોકથી બચવા માટેના કેટલાક ઉપાયો જણાવ્યા છે. આ ગરમીમાં શરીરને ડિહાઈડ્રેટેડ રાખવા માટે શક્ય એટલું વધુ પાણી પીવો અને ORSવાળા પાણીનું સેવન કરો. આ સિવાય લીંબુ પાણી, છાશ અને લસ્સી પીવો. હળવા અને સુતરાઉ કપડાં પહેરો. બપોરના સમયે ઘરથી ભાર નીકળવાનું ટાળો અને જો નીકળવું જ પડે એમ હોય તો છત્રી, ટોપી, ગોગલ્સ, સનસ્ક્રીન, સ્કાર્ફ વગેરેનો ઉપયોગ કરવાની સલાહ પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. IMD દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હીટવેવ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે કોઈ વેધર સ્ટેશન પર 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાય છે.