IPL 2025 નવું ટાઈમટેબલ જાહેર: અમદાવાદ, મુંબઈ સહિત 6 શહેરોમાં બાકી મેચ રમાશે
નવી દિલ્હીઃ ટાટા આઈપીએલ 2025 ફરીથી શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સત્તરમી મે 2025થી શરુ થઈને ત્રીજી જૂન 2025ના રોજ ફાઈનલ સહિત 6 જગ્યા પર બાકી રહેલી 17 મેચ રમાશે. સંશોધિત કાર્યક્રમમં બે ડબલ હેડર સામેલ છે. જે બે રવિવારે રમાશે. આપને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષના કારણે આઈપીએલને સ્થગિત કરવામાં આવ્યા પછી ગઈકાલે મોડી રાતના જાહેરાત કરવામાં આવી હતી.
બીસીસીઆઈના નવા શેડ્યૂલ પ્રમાણે આઈપીએલની તમામ મેચ 17 મેથી શરૂ થશે અને 3 જૂનના રોજ સિઝનની ફાઇનલ મેચ રમાશે. બીસીસીઆઈએ સુધારેલા શેડ્યૂલ પ્રમાણે IPL 2025ની આગામી તમામ મેચો હવે બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉમાં રમાશે. આમ દેશના 6 સ્થળોએ કુલ 17 મેચ રમાડવામાં આવશે. પ્લેઓફની મેચો 17 મેથી 27 મે દરમિયાન રમાશે જે પછી ક્વોલિફાયર 1 – 29 મે, એલિમિનેટર – 30 મે, ક્વોલિફાયર 2 – 1 જૂન, ફાઇનલ – 3 જૂનના રોજ રમાડવામાં આવશે. અલબત્ત, ઓરિજનલ શેડ્યૂલ પ્રમાણે પ્લેઓફ સ્ટેજ 20 મેથી શરૂ થવાનું હતું. હવે નવા કાર્યક્રમ પ્રમાણે પ્લેઓફ 29 મેથી શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર 29 મેએ રમાશે. એલિમિનેટર મેચ 30 મે, બીજી ક્વોલિફાયર 1 જૂન અને ફાઈનલ મેચ 3 જૂને રમાશે. પ્લેઓફના સ્થળની જાહેરાત હવે કરવામાં આવશે.
આ વખતના પોઇન્ટ ટેબલની વાત કરીએ તો ટોચના ક્રમે ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની ટીમ છે, જેમાં બંને ટીમ 16-16 પોઇન્ટ સાથે અનુક્રમે પહેલા અને બીજા ક્રમે છે. પંજાબ કિંગ્સ (PBKS) 15 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે, મુંબઇ ઇન્ડિયન્સ (MI) 14 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે. આ ચારેય ટીમો ક્વોલિફાયર્સમાં પ્રવેશવા માટે મજબૂત દાવેદાર છે. આ સિવાય દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમે છે. આ ત્રણેય ટીમો હજુ ક્વોલિફાયર્સની રેસમાં સામેલ છે.
અહીં એ જણાવવાનું કે છેલ્લે ધર્મશાળામાં મેચ રમાઈ હતી, પરંતુ એ મેચ ફરી રમાડવામાં આવશે નહીં. આ અગાઉ આઠમી મેના ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. પઠાણકોટમાં થયેલા હવાઈ હુમલાને કારણે મેચ ફક્ત 10.1 ઓવર માટે રમાઈ હતી. પરંતુ હવે આ મેચ ફરી રમાશે નહીં. બંને ટીમોને 1-1 પોઈન્ટ મળવાની અપેક્ષા છે. IPL 2025ની 17 મેચોનું શેડ્યૂલ આવી ગયું છે.