મધ્ય રેલવેમાં આજ રાતથી લઈને રવિવાર સુધીમાં 930 લોકલ ટ્રેન કરાશે રદ…
રેલવેએ પ્રવાસીઓને કરી આ ખાસ અપીલ
મુંબઈ: મધ્ય રેલવે પર શુક્રવારથી રવિવાર એટલે કે 31મી મેથી બીજી જૂન સુધી ત્રણ દિવસનો મેગા જમ્બો બ્લોક હાથ ધરવામાં આવશે. સીએસએમટી સ્ટેશનના 10 અને 11 નંબરના પ્લેટફોર્મની લંબાઈ તેમ જ થાણા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને 6ની પહોળાઈ વધારવાનું કામ હાથ ધરાવવાનું હોવાથી રેલવે દ્વારા મેગાજમ્બો બ્લોક લેવાની જાહેરાત કરવામાં આવી છે.
આ બ્લોકને કારણે આશરે 930 જેટલી લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે અને એની અસર લાંબા અંતરની મેલ ટ્રેનો પર પણ જોવા મળશે. આ બધાને કારણે વીક એન્ડ પર પ્રવાસ કરનારા પ્રવાસીઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડશે. મધ્ય રેલવે દ્વારા પ્રવાસીઓને આ સમયગાળામાં શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ નહીં કરવાની ભલામણ પણ કરી છે.
આ બાબતે માહિતી આપતા મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મધ્ય રેલવે પણ શુક્રવારથી જ થાણા સ્ટેશન પર 63 કલાકનો તો સીએસએમટી ખાતે 36 કલાકનો બ્લોક લેવામાં આવશે. થાણે સ્ટેશન પર ગુરૂવારની રાતથી શરૂ થનારો આ બ્લોક બીજી જૂન સુધી ચાલુ રહેશે. આ બ્લોકને કારણે શુક્રવારે 31મી મેના દિવસે 161 લોકલ ટ્રેન અને ચાર દિવસ ચાર એકસપ્રેસ ટ્રેન, શનિવારે 37 મેલ એકસપ્રેસ અને 534 લોકલ ટ્રેન તેમ જ રવિવારના દિવસે 235 લોકલ ટ્રેન અને 31 એકસપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવશે.
આ બ્લોકને ધ્યાનમાં લઈને મધ્ય રેલવે દ્વારા તમામ સરકારી અને પ્રાઈવેટ કંપનીને કર્મચારીઓને આ બ્લોકના દિવસોમાં વર્ક ફ્રોમ હોમ કે રજા આપવાની ભલામણ કરી છે. પ્રવાસીઓને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવાની અપીલ પણ રેલવે દ્વારા કરવામાં આવી છે.
બ્લોકની મહત્ત્વની વિગતો ઉપર એક નજર કરી લો
63 કલાકનો થાણે (ડાઉન ફાસ્ટ લાઈન) આજે રાતના 12.30થી શરુ થઈને બીજી જૂનના (રવિવારે બપોર) 3.30 વાગ્યા સુધી
36 કલાકનો સીએસએમટી શુક્રવારે રાતના 12.30 વાગ્યાથી રવિવારે બપોરના 3.30 વાગ્યા સુધી
બ્લોક દરમિયાન 930 લોકલ રદ રહેશે, શુક્રવારે સાત, શનિવારે 306 અને રવિવારે 131 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાશે. આ ઉપરાંત, એકંદરે આ ત્રણ દિવસ 444 ટ્રેન શોર્ટ ઓરિજિનેટ કરાશે