દિલ્હીમાં કોંગ્રેસ વિરુદ્ધ ‘આપ’: કોંગ્રેસે 21 ઉમેદવારની યાદી જાહેર કરી
અરવિંદ કેજરીવાલની સીટ પરથી શિલા દિક્ષિતના દીકરાને ટિકિટ આપી
પાટનગર દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ કમર કસી લીધી છે. આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરનારી કોંગ્રેસ પાર્ટીએ પોતાના 21 ઉમેદવારની યાદી જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે. કોંગ્રેસે નવી દિલ્હીથી શિલા દિક્ષિતના દીકરાને ઉતાર્યા છે, જ્યારે અહીંની બેઠક પરથી અરવિંદ કેજરીવાલ વિધાનસભ્ય છે.
કોંગ્રેસે જાહેર કરેલી પહેલી યાદીમાં કોંગ્રેસે નવી દિલ્હીની બેઠક પરથી સંદીપ દિક્ષિતને રણમેદાનમાં ઉતાર્યા છે. દિલ્હી કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્ર યાદવને બાદલી, રાગિની નાયકને વજીરપુર, અભિષેક દત્તને કસ્તુરબા નગરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
કોણ ક્યાંથી ચૂંટણી લડશે તો અરુણા કુમારીને નરેલા, મંગેશ ત્યાગીને બુરાડી, શિવાંક સિંઘલને આદર્શ નગર, દેવેન્દ્ર યાદવને બાદલી, જયકિશનને સુલ્તાનપર માજરા (એસસી), રોહિત ચૌધરીને નાંગલોઈ, પ્રવીણ જૈનને શાલીમાર બાગ, અનિલ ભારદ્વાજ-સદર બાજાર, મુદિત અગ્રવાલને ચાંદની ચૌક, હારુન યુસુફને બલ્લીમરાન, પીએસ બાવા તિલકનગર, આદર્શ શાસ્ત્રી દ્વારકા, સંદીપ દિક્ષિત નવી દિલ્હી, રાજેન્દ્ર તંવર છત્તરપુર, જય પ્રકાશ આંબેડકર નગર, ગર્વિત સિંઘવી ગ્રેટર કૈલાશ, અનિલ ચૌધરી પટપડગંજ, અબ્દુલ રહમાન સિલમપુર (વર્તમાન વિધાનસભ્ય), અલી મહેંદી-મુસ્તફાબાદને ટિકિટ આપી છે.
અહીં એ જણાવવાનું કે 2013માં અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણીમાં નવી દિલ્હીની સીટ પરથી તત્કાલીન મુખ્યમંત્રી અને સંદીપ દિક્ષિતની માતા શિલા દિક્ષિતને હરાવ્યા હતા. કોંગ્રેસે પહેલી યાદીમાં સંદીપ દિક્ષિત સહિત કોંગ્રેસ કમિટીના પ્રમુખ દેવેન્દ્ર યાદવને બાદલીની સીટ પરથી ટિકિટ આપી છે. તેઓ પહેલાથી અહીંની સીટ પરના વિધાનસભ્ય છે.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઈસી)ની ગુરુવારે મળેલી બેઠકમાં 21 નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં મળેલી બેઠકમાં 21 ઉમેદવારના નામ પર મંજૂરી આપી હતી. બેઠકમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, સીઈસીના સભ્ય અંબિકા સોની, સલમાન ખુર્શીદ, ટીએસ સિંહ દેવ અને મધુસૂદન મિસ્ત્રી વગેરે હાજર રહ્યા હતા.