મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર પહેલા કોંગ્રેસે કર્યો મોટો દાવો
ઓવૈસીની પાર્ટીએ પણ ઉમેદવારોની યાદી જાહેર કરીને સૌને ચોંકાવ્યા
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં મહાયુતિને ફટકો પડ્યા પછી ફરી એક વાર મહાયુતિ તો એકસાથે ચૂંટણી લડવાનો નારો લઈને ફરી રહી છે, જ્યારે બીજી બાજુ મહા વિકાસ આઘાડી પાર્ટી પણ કોંગ્રેસ, એનસીપી (શરદચંદ્ર પવાર) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના) સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી છે. આમ છતાં બે મહિના ચૂંટણીના રહ્યા છે, પરંતુ હજુ સુધી મહાગઠબંધનના પક્ષો સીટની વહેંચણી મુદ્દે નક્કી કરી શકયા નથી. એનાથી વિપરીત દરેક પક્ષ ચૂંટણીમાં બહુમતી સાથે જીતવાના દાવા કરે છે, જેમાં તાજેતરમાં મહા વિકાસ આઘાડી (એમવીએ)માંથી કોંગ્રેસ પાર્ટીએ સૌથી મોટો દાવો કર્યો છે કે આ વખતની ચૂંટણીમાં પાર્ટીને 85 સીટ મળશે. બીજી બાજુ અસુદ્દીન ઓવૈસીની પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.
150 બેઠકમાંથી 85 બેઠક જીતવાનો દાવો
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે દાવો કર્યો છે કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને 85 બેઠક મળશે. વડેટ્ટીવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મહારાષ્ટ્રમાં સૌથી વધુ રેલી યોજવાનો અનુરોધ કર્યો છે, જેથી પાર્ટીને વધુ સીટ મળે. પાર્ટી દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં 150 સીટમાંથી પાર્ટીને 85 સીટ જીતવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
લોકસભામાં 13 સીટ પર કોંગ્રેસ જીત્યું હતું
મહા વિકાસ આઘાડીની પાર્ટી એકસાથે ચૂંટણી લડશે તો ચોક્કસ જીતશે એવો પણ દાવો વ્યક્ત કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ 48માંથી 13 બેઠક સાથે એમવીએને 31 બેઠક મળી હતી. બીજી બાજુ અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીની બારામતીની બેઠક પરથી અજિત પવાર લડશે.
અસુદ્દીન ઓવૈસીએ પણ જાહેર કર્યાં ઉમેદવારો
દરમિયાન ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લમીન (એઆઈએમઆઈએમ)એ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા. એઆઈએમઆઈએમએ સંભાજીનગર (ઈમ્તિયાઝ જલીલ), માલેગાંવ (મુફ્તી ઈસ્માઈલ), ધુળે (ફારુખ શહા) અને સોલાપુર (ફારુખ શાબ્દી) વિધાનસભા માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. પાર્ટીના નામ જાહેર કર્યા પછી અસુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે પાર્ટી કેન્દ્ર સરકારના વકફ બોર્ડની પ્રોપર્ટી મુદ્દેના બિલને ક્યારેય સમર્થન આપશે નહીં, તેમ જ પ્રોપર્ટી જવા દેશે નહીં.