Election: મહારાષ્ટ્ર કોંગ્રેસની ઉમેદવાર માટે ગજબની શરત, પહેલા ઈન્ટરવ્યૂ પછી ટિકિટ…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોને ટિકિટ આપવા માટે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને એ માટે જાહેરાત કરી છે કે પાર્ટી પહેલા ઉમેદવારનું ઈન્ટરવ્યૂ લેશે ત્યાર બાદ ટિકિટ આપવાનું નક્કી કરશે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે મહારાષ્ટ્રમાં અન્ય પાર્ટીની તુલનામાં કોંગ્રેસે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા પછી ઉમેદવારોની પસંદગી માટેનું વલણ સ્પષ્ટ કરીને સૌને ચોંકાવ્યા છે.
1,688 ઉમેદવારે ટિકિટ માગી છે
આ વર્ષે વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રમાં યોજવામાં આવશે. નેતાઓના આરોપ-પ્રત્યારોપની વચ્ચે કોંગ્રેસ પાર્ટી આ વખતે મહાવિકાસ આઘાડી (એમવીએ)માં મોટો ભાઈ બનવાનો પ્રયાસ કરી શકે છે. મહા વિકાસ આઘાડીમાં સીટ વહેંચણીની ખેંચાખેંચી વચ્ચે તાજેતરમાં કોંગ્રેસએ પોતાની તૈયારી તો શરુ કરી છે, પરંતુ એની વચ્ચે ટિકિટ વહેંચણી માટે નવી સિસ્ટમની જાહેરાત કરી છે. નોકરીમાં ઉમેદવારે ઈન્ટરવ્યૂ આપવું પડે એના માફક હવે પાર્ટી પણ ઉમેદવારનું ઈન્ટરવ્યૂ લેશે. પાર્ટી ઉમેદવારોને ગમે તેમ ટિકિટની ફાળવણી કરશે નહીં. પહેલા ઈન્ટરવ્યૂમાંથી પાસ થયા પછી ટિકિટ મળી શકશે. કોંગ્રેસ વતીથી ચૂંટણી લડવા માટે મોટી ફોજ તૈયાર હોવાનું જણાય છે. અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટી વતીથી 1,688 ઉમેદવારે ચૂંટણી લડવા માટે ટિકિટ માગી છે.
પહેલીથી આઠમી સુધી પ્રક્રિયા ચાલશે
ઈન્ટરવ્યૂ માટે કોંગ્રેસે છ ટીમની નિમણૂક કરી છે, જેમાં પૃથ્વીરાજ ચવ્હાણ, નસીમ ખાન, સાંસદ ચંદ્રકાંત હંડોરે, પ્રણીતિ શિંદે, સતેજ પાટીલ, અમિત દેશમુખ, નિતિન રાઉત, યશોમતી ઠાકુરનો સમાવેશ થાય છે. આજથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની ઈન્ટરવ્યૂ પ્રક્રિયા શરુ થશે. ઈન્ટરવ્યૂની પ્રક્રિયા પહેલી ઓક્ટોબરથી આઠમી ઓક્ટોબર સુધી ચાલશે, જ્યારે 10મી ઓક્ટોબરે સિક્રેટ રિપોર્ટ કોંગ્રેસને સોંપવામાં આવશે.
કાશ્મીર-હરિયાણાના પરિણામો પછી જાહેર થશે
ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી કરવા માટે કમર કસી છે, જેમાં ગયા અઠવાડિયા દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. જોકે, એની વચ્ચે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીના પરિણામો આઠમી ઓક્ટોબરે આવશે, તેથી આ પરિણામો પછી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીની જાહેરાત કરી શકાય છે. મોટા ભાગના રાજકીય પક્ષોની માગણી છે કે તહેવારોને કારણે બંને રાજ્યમાં ચૂંટણી ફક્ત એક તબક્કામાં યોજવામાં આવે. જોકે, હવે એ જોવાનું રહેશે કે ક્યાં સુધીમાં નિર્ણય લેવાય છે.