December 20, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

સંકટમોચકનું વિસર્જન: લાલબાગના રાજાના વિસર્જનમાં શા માટે થયો વિલંબ?

Spread the love

સોશિયલ મીડિયા પર અનેક તર્ક-વિતર્ક, અનેક જગ્યાએ ડૂબવાની ઘટનાઓ બની

અમદાવાદ, વડોદરા સહિત મુંબઈ-મહારાષ્ટ્રમાં ધામધૂમથી ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું, પણ દેશમાં કુદરતી આફતોમાં વધારો થવાથી ભક્તોએ આફતોનું વિસર્જન થાય એવી બાપ્પાને અરજ કરી હતી. મુંબઈના સૌથી જાણીતા ગણપતિ મંડપ લાલબાગના રાજાનું નિર્ધારિત સમયગાળા દરમિયાન વિસર્જન થયું નહોતું. ભારે વરસાદ અને ભરતીને લઈ વિવિધ મંડળોના ગણપતિ બાપ્પાનું વિસર્જન મોડું થયું હતું. દર વર્ષના માફક સવારના નવ વાગ્યા સુધી દરિયામાં વિસર્જનની તૈયારી પ્રશાસને કરી લીધી હતી, જેમાં વહેલી સવારે બાપ્પાની મૂર્તિઓ ચોપાટી પર પહોંચી હતી, પરંતુ દરિયામાં મોટી ભરતીને કારણે સમયસર વિસર્જન થયું નહોતું. લાલબાગ સહિત અન્ય મંડપોના બાપ્પાના વિસર્જનમાં વિલંબ અંગે અનેક લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. મુંબઈ સહિત દેશના દરિયાકિનારા, નદીકિનારા અને કૃત્રિમ તળાવોમાં વિસર્જન કર્યું હતું, પરંતુ સાફસફાઈ કરવા મુદ્દે મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાનના પત્ની અમૃતા ફડણવીસે સફાઈ માટે ઝુંબેશ હાથ ધરીને ભક્તોનું દિલ જીતી લીધું હતું.

ગિરગાંવ ચૌપાટી ખાતે વિસર્જનની પરંપરા યથાવત્
દરિયામાં ઊંચી લહેરોને કારણે મૂર્તિઓને લઈ જનારું પ્લેટફોર્મ પાણીમાં તરવા લાગ્યું હતું, જેનાથી રાફ્ટ પર ચઢવાનું મુશ્કેલ બન્યું હતું એ વખતે માછીમાર અને સ્વયંસેવકો પરિસ્થિતિને સંભાળી હતી. સવારના 11.40 વાગ્યાના સુમારે 4.43 મીટરની ઊંચી ભરતીને કારણે વિસર્જન કરવામાં મુશ્કેલી પણ ઊભી થઈ હતી. સવારથી હજારો ભક્તો ગિરગાંવ ચૌપાટી ખાતે બાપ્પાને વિદાય કરવા પહોંચ્યા હતા, પરંતુ વિદાય નહીં થવાથી લોકો ચિંતામાં હતા. લાલબાગના રાજાની અન્ય મંડપોના ગણપતિના વિસર્જનમાં વિલંબ થવાથી લોકોએ તર્ક-વિતર્ક કર્યા હતા. જોકે, ગિરગાંવ ચૌપાટી ખાતે ભરતીના પાણી ઓસર્યા પછી રાતના 11 વાગ્યા પછી વિસર્જન કરવામાં આવ્યું હતું.

વિસર્જનમાં વિલંબ મુદ્દે સોશિયલ મીડિયા પર બબાલ
વિસર્જન કરવામાં વિલંબ પછી આધુનિક રાફટ ગુજરાતમાંથી લાવ્યા હોવાથી વિઘ્ન આવ્યું હોવાનો આરોપ મૂક્યો હતો. અન્ય લોકોએ કહ્યું હતું કે વીઆઈપી કલ્ચર રાજાના દરબારમાં આવ્યું હોવાથી બાપ્પામાં નારાજગી રહી હતી, જ્યારે મરાઠા સમાજની અવગણનાનો પરચો આપ્યો હોવાનો દાવો કર્યો હતો. મુંબઈ જ નહીં, સમગ્ર દુનિયામાંથી ગણેશભક્તો માનતા પૂરી કરવા માટે લાલબાગના રાજાના દર્શન કરવા આવે છે. આ વર્ષે 22 ફૂટની ઊંચી મૂર્તિ બનાવી હતી, જ્યારે મંડપની સજાવટ રામેશ્વરમની થીમના આધારે બનાવ્યો હતો. મંદિરમાં હનુમાનજીના રામેશ્વરમથી ભગવાન શંકરનો પિંડ લઈ આવે છે. 1934થી લઈને બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી, જે નવ દાયકા પછી પણ યથાવત રાખી છે. લાલબાગના રાજા દર વર્ષે રોજના 15 લાખથી વધુ ભક્તો દર્શન કરે છે, જ્યારે રાજકારણીઓથી લઈને બોલીવુડના કલાકારો અને ઉદ્યોગપતિઓના પણ લાડલા ગણપતિ છે, જેથી દર વર્ષે લોકોની વિશેષ ભીડ રહે છે.

વિસર્જનને કારણે મહારાષ્ટ્રમાં ચાર લોકો ડૂબ્યા, 13 ગુમ
મુંબઈના સાકીનાકા વિસ્તારમાં સવારે ગણેશ મૂર્તિના વિસર્જનની યાત્રામાં કરન્ટ લાગવાથી એકનું મોત થયું હતુ, જ્યારે પાંચને ઈજા પહોંચી હતી. આ બનાવ પછી ઈલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા, જેથી બીજી કોઈ દુર્ઘટના ઊભી થાય નહીં. મુંબઈ સિવાય પાલઘરમાં પણ વિસર્જન વખતે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. વિસર્જન વખતે ત્રણેક લોકો ડૂબ્યા પછી રેસ્ક્યૂ ઓપરેશન મારફત બચાવી લેવામાં આવ્યા હતા. પુણેમાં ત્રણ અલગ અલગ ઘટનામાં ચાર લોકો ડૂબ્યા હતા. ચાર લોકોમાંથી બે લોકોના મૃતદેહ મળ્યા હતા, જ્યારે બેની શોધ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત, નાંદેડ, નાશિક, જળગાંવ વગેરે જગ્યાએ લોકો ડૂબવાની ઘટના ઘટી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!