મોંઘવારીનો ફટકો: કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹ 218નો વધારો
નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીનો ડામ, જાણો તમારા શહેરમાં શું છે નવા ભાવ
વૈશ્વિકસ્તરે ઓઈલના ભાવમાં વધારા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે માર્ચ મહિનામાં કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારા પછી એપ્રિલ મહિનામાં ભાવ વધારીને ઈન્ડસ્ટ્રીના લોકોને ફટકો પડ્યો છે. સરકારે આજે એટલે પહેલી એપ્રિલ 2026ના કમર્શિયલ એલપીજી સિલિન્ડર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એક બાજુ ઈન્ડસ્ટ્રી-ફેક્ટરીઓમાં લોકડાઉનના માહોલ વચ્ચે આજથી સરકારે 19 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં તોસ્તાન 218 રુપિયા સુધીનો વધારો કર્યો છે.
નવા દર લાગુ થવાની સાથે દેશના મુખ્ય શહેરમાં ગેસના નવા ભાવ પણ અલગ અલગ રીતે લાગુ પડ્યાં છે. પાટનગર દિલ્હીમાં 19 કિલોગ્રામ કમર્શિયલ સિલિન્ડરના ભાવ આજથી 2,078 રુપિયા થયા છે, જ્યારે એના પહેલા 1,883 રુપિયા હતા. દિલ્હીમાં 195.50 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે સામાન્ય વપરાશકર્તાઓ પર વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
મુંબઈ-કોલકાતામાં પણ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં 2,031 રુપિયા ભાવ થયો છે, જે અગાઉ 1,835 હતો, જેમાં 196 રુપિયા વધાર્યા છે. કોલકાતામાં આજથી 19 કિલોગ્રામ સિલિન્ડરના 218 રુપિયા વધારીને 2,043 રુપિયા ભાવ થયા છે, જેમાં 203 રુપિયાનો વધારો થયો છે. દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં નવા ભાવ અનુક્રમે 2,078, 2,208, 2031 અને 2,246 રુપિયા ભાવ થયા છે. એપ્રિલ મહિના પહેલા માર્ચ મહિનામાં 19 કિલોના સિલિન્ડરના ભાવમાં 114 રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલું રાંધણગેસના સિલિન્ડરમાં કોઈ વધારો કર્યો નથી. હાલના તબક્કે 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 913 રુપિયા છે, જ્યારે છેલ્લે સિલિન્ડરના ભાવ સાત માર્ચ 60 રુપિયા વધાર્યા હતા.
એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારા સાથે એટીએફના ભાવમાં વધારો થઈ શકે છે. દેશમાં એટીએમ, પેન કાર્ડથી લઈને ક્રેડિટ કાર્ડ, ફાસ્ટેગ સંબંધિત અન્ય ફેરફાર કરવામાં આવ્યા છે. એટીએફમાં વધારા સાથે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓને પણ મોટો ફટકો પડી શકે છે. પહેલી એપ્રિલથી નવો ઈન્કમ ટેક્સ કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. એપ્રિલથી ઈન્કમ ટેક્સ એક્ટ 1961 બદલે ન્યૂ ઈન્કમ ટેક્સ એક્ટ 2025 લાગુ પાડવામાં આવ્યો છે. આ બદલાવથી ફાઈનાન્શિયલ યર, એસેસમેન્ટ યરની ઝંઝટને બદલે હવે ટેક્સ યરનો કન્સેપ્ટ લાગુ કર્યો છે.
