આગામી બે-ત્રણ દિવસ મુંબઈમાં હળવા વરસાદની આગાહી
મુંબઈઃ આ વર્ષે મોન્સૂન મુંબઈમાં જાહેર કરેલા દિવસ કરતાં બે દિવસ પહેલાં જ દાખલ થઈ ગયું. રાજ્યમાં મૌસમી પવન દાખલ થતાં રાજ્યમાં ઠેરઠેર વરસાદ પડ્યો. મૌસમી પવન દાખલ થતાં જ મેઘરાજાએ દમદાર હાજરી પૂરાવી ખરી પરંતુ હવે બે દિવસથી વરસાદે પોરો ખાધો છે. હવે હવામાન ખાતા દ્વારા આગામી બે-ત્રણ દિવસ મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, એટલે આગામી બે-ત્રણ દિવસ છત્રી-રેઈનકોટ લઈને બહાર પડવાની અપીલ પણ કરવામાં આવી છે.
મુંબઈમાં શરૂઆતમાં જ મેઘરાજાએ ધૂઆંધાર બેટિંગ કરી હતી અને શહેર અને ઉપનગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની, ઝાડ તૂટી પડવાની ઘટનાઓ બની હતી. પરંતુ બે દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે. દરમિયાન આગામી બે-ત્રણ દિવસ પણ વરસાદનું જોર ઓછું જ રહેવાનું હોઈ મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, એવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે.
જલદી દાખલ થયેલાં મોન્સૂનને વાતવરણમાં ઠંડક થઈ જવાને કારણે ઉકળાટ અને ગરમીથી હેરાન-પરેશાન મુંબઈગરાને થોડા અંશે રાહત મળી હતી. હવામાન વિભાગના કોલાબા સ્ટેશન પર બુધવારે 32.7 સેલ્સિયસ અને સાંતાક્રુઝ ખાતે 33.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની નોંધ કરવામાં આવી હતી. મંગળવારની સરખાનણીએ બુધવારે બંને સેન્ટર પર તાપમાનમાં અનુક્રમે બે-બે ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો.
મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હોય તો પણ રાજ્યમાં અકોલા, બુલઢાણા, ચંદ્રપુર, ગઢચિરોલી અને યવતમાળ ખાતે જોરદાર પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. દરમિયાન આ વખતે મૌસમી પવન ઝડપથી ફૂંકાઈ રહ્યા છે અને આગાહી કરતાં ચાર દિવસ પહેલાં જ પહોંચી જવાને કારણે મોન્સૂન વહેલો દાખલ થયો હતો.