March 9, 2026
ગુજરાત

વિકસિત ગુજરાત: આદિજાતિ વિસ્તારોમાં રૂ. 651 કરોડની સિંચાઈ યોજનાનું લોકાર્પણ

Spread the love

ભૂપેન્દ્ર પટેલે ઉમરપાડા અને ડેડીયાપાડાના 73 ગામો માટે તાપી-કરજણ લિંક પાઇપલાઇન જનતાને સમર્પિત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના ૭૩ આદિવાસી ગામોની ૫૩ હજાર ૫૦૦ એકરથી વધુ જમીનને લિફ્ટ ઈરીગેશન સુવિધાનો લાભ અપાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આદિજાતિ વિસ્તારોને વિકાસની લીડ લેવા પ્રેરક આહવાન કર્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ૭૩ આદિજાતિ ગામોની ૫૩,૭૫૦ એકર જમીનને સિંચાઈ સુવિધા આપતી તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજનાના લોકાર્પણ પ્રસંગે આ આહવાન કર્યું હતું.

ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજના રૂ.૬૫૧.૦૮ કરોડના ખર્ચે નિર્માણ થઈ છે તેના લોકાર્પણ સાથે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ૨૦૮.૫૧ કરોડના ખર્ચે થનારા આ યોજનાના એક્સટેન્શન કાર્યનું ભૂમિપૂજન પણ ઈ-તકતી અનાવરણથી કર્યું હતું. આ એક્સટેન્શન યોજના પૂર્ણ થવાથી ઉમરપાડા તાલુકાના ૨૯ ગામોની ૧૯,૧૪૧ એકર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, પાણી પુરવઠા રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ અને સાંસદઓની ઉપસ્થિતિમાં સુરત જિલ્લામાં ૧૨૬ કરોડ રૂપિયાના ૧૨ જેટલા વિકાસકામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે વન અધિકાર નિયમ હેઠળ આદિજાતિ લાભાર્થીઓને સનદ વિતરણ, પીએમએવાય આવાસ, ગોડાઉન સહાય અને ટ્રેક્ટર સહાયનું પણ લાભાર્થીઓને વિતરણ કર્યું હતું

મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું કે, નાનામાં નાના અને છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવા વિકાસની રાજનીતિનો યુગ શરૂ થયો હતો. વિકાસની દરેક યોજનાના કેન્દ્રમાં તેમણે નાના માનવીના હિતોને પ્રાથમિક્તા આપી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તથા નર્મદાના ડેડિયાપાડાના ગામોમા તો ઉકાઈ જળાશય યોજના આધારિત આ ઉદવહન સિંચાઈ યોજનામાં ૮૭ માળ જેટલી ઉંચાઈએથી પાણી પાઈપલાઈન દ્વારા લિફ્ટ કરીને આદિવાસી વિસ્તારોને સિંચાઈ માટે પુરું પાડવાનું ઈજનેરી કૌશલ્યયુક્ત આયોજન પણ વડા પ્રધાનની વિઝનરી લીડરશીપથી પાર પડ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રોડ-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, વીજળી અને પાણી જેવી સુવિધાઓ સરળતાથી પહોંચાડવા PM Modiએ શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહિ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસે ગુજરાતના આદિવાસી વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે પાંચ વર્ષ માટે રૂ. ૨ લાખ કરોડની ‘જનજાતીય કલ્યાણ યોજના’ની ભેટ આપી છે તેની તેમણે વિસ્તૃત છણાવટ કરી હતી. વાર્ષિક રૂ. ૩૫,૦૦૦ કરોડની જોગવાઈ સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ-રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને આનાથી વધુ વેગ મળશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!