સીએમ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર, પરંતુ આ કારણે જેલમાં જ રહેવું પડશે…
નવી દિલ્હીઃ આપના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને લીકર પોલીસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે. પરંતુ વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હોવા છતાં પણ કેજરીવાલને હાલ તો જેલમાં જ રહેવું પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટે તેમને ED કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. સીબીઆઈમાં કેસ ચાલી રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે અમે જામીનના પ્રશ્ન બાબતે અમે તપાસ નથી કરી પરંતુ અમે કલમ 19 પીએમએલએના માપદંડોની તપાસ કરી છે. અમે કલમ 19 અને કલમ 45 વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો છે. કલમ 19 એ અધિકારીઓનો વ્યક્તિલક્ષી અભિપ્રાય છે અને એ સંપૂર્ણપણે ન્યાયિક સમીક્ષાને આધીન છે. જયારે કલમ 45નો ઉપયોગ કોર્ટ દ્વારા જ કરવામાં આવે છે. પીએમએલએની જોગવાઈ યોગ્ય છે કે નહીં એ બાબતની તપાસ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા કરાશે.
#WATCH | On Supreme Court granting interim bail to CM Arvind Kejriwal, CM Kejriwal's lawyer Rishikesh Kumar says, "The Supreme Court has granted him interim bail and the issue of section 19 and necessity of arrest has been referred to a larger bench. CM Kejriwal will remain in… pic.twitter.com/et9ectf34R
— ANI (@ANI) July 12, 2024
;
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે એવું પણ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ 90 દિવસથી જેલમાં છે અને કોર્ટ તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપે છે. કેજરીવાલ એ એક ચૂંટાઈ આવેલા નેતા છે અને તેમણે તેમના પદ પર કાયમ રહેવા માંગે છે કે નહીં એ નિર્ણય સંપૂર્ણપણે તેમના પર આધાર રાખે છે. સુપ્રીમ કોર્ટે આ કેસને ઉપલી બેન્ચને ટ્રાન્સફર કર્યો છે અને જ્યાં સુધી ઉપલી બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ લના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ વચગાળાના જામીન બાદ અરવિંદ કેજરીવાલના વકીલ હૃષિકેશ કુમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને વચગાળાના જામીન આપ્યા છે અને કલમ 19 અને ધરપકડનો મામલો ઉપરની બેન્ચ પાસે ટ્રાન્સફર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે EDએ કેજરીવાલની 21મી માર્ચના લિકર પોલીસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. પરંતુ એ પહેલાં કેજરીવાલને 9 વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા. ધરપકડ બાદ કેજરીવાલ ઘણા દિવસો સુધી EDની કસ્ટડીમાં હતા. બાદમાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. દરમિયાન લોકસભા ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા અને તેની મુદ્દત પૂરી થતાં, તેમણે બીજી જૂનના રોજ સરેન્ડર કર્યું હતું.