ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટને અલવિદા કહ્યું: ટીમ ઈન્ડિયાએ ટેસ્ટનો આધારસ્તંભ ગુમાવ્યો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન અને બીસીસીઆઈનો આભાર માની પોસ્ટ લખી

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ નિવૃત્તિની અચાનક જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા છે. છેલ્લે 2023માં કાંગારુ સામે ટેસ્ચ મેચ રમ્યા હતા, પરંતુ વર્ષોથી સિલેક્ટર દ્વારા નિરંતર અવગણનાને કારણે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ચેતેશ્વર પૂજારાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે બીસીસીઆઈ અને સૌરાષ્ટ્ર કિક્રેટ એસોસિયેશને મને ક્રિકેટની કારકિર્દી બનાવવા માટે તક આપી અને મને સહકાર આપ્યો એના બદલ હું સૌનો આભારી છું. હું તમામ ટીમ, ફ્રેન્ચાઈઝી અને જે દેશમાં વર્ષો સુધી રમ્યો એ મારા માટે સદાય યાદગાર રહેશે. લગભગ એક દાયકા કરતા વધુ સમયથી ભારતની ટેસ્ટ ટીમનો આધારસ્તંભ રહેલા ચેતેશ્વર પૂજારાની શાનદાર બેટિંગે ટીમ ઈન્ડિયાને અનેક હારમાંથી બચાવી હતી.
વન-ડેની કારકિર્દી બહુ ટૂંકી રહી
ચેતેશ્વર પૂજારાએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં નવમી ઓક્ટોબર, 2010માં ટેસ્ટ ક્રિકેટર તરીકે પોતાની ઈન્ટરનેશનલ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો, જ્યારે પોતાની છેલ્લી મેચ ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે સાતમી જુલાઈ, 2023માં રમ્યો હતો, પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ગુજરાતી ક્રિકેટરને હંમેશા ટીમમાં જગ્યા મળતી નહીં. ટેસ્ટ કરતા વનડેની કારકિર્દી બહુ ટૂંકી રહી ચેતેશ્વર પૂજારાની. પહેલી મેચ પહેલી ઓગસ્ટ 2013માં ઝિમ્બાબ્વે સામે રમ્યો હતો, જ્યારે છેલ્લી મેચ અગિયારમી જૂન, 2023માં.
સાથી ખેલાડીથી લઈ તમામનો આભાર માન્ય
ચેતેશ્વર પૂજારાએ ભાવુક થઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે, જેમાં તેને લખ્યું કે ભારતીય જર્સી પહેરવી, રાષ્ટ્રગીત ગાવું અને દરેક વખતે મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું એ મારા માટે એવો અનુભવ હતો, જેનું શબ્દોમાં વર્ણન કરી શકાય નહીં. જોકે, ચેતેશ્વર પૂજારાએ નિવૃત્તિ લઈને પોતાના તમામ સાથી ખેલાડીઓથી લઈને સપોર્ટ સ્ટાફ અને ગ્રાઉન્ડમેન સુધી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું
વ્યક્તિગત કારકિર્દીની વાત કરીએ તો પૂજારાએ 103 ટેસ્ટ મેચની 176 ઇનિંગ્સમાં 43.60 ની સરેરાશથી 7,195 રન બનાવ્યા હતા, જેમાં 6 સદી, 3 બેવડી સદી અને 35 અડધી સદીનો સમાવેશ થતો હતો. તેમનો સર્વોચ્ચ સ્કોર 206 હતો. તેમણે પાંચ વનડે પણ રમી હતી. છેલ્લા દાયકામાં ભારતે ઘરઆંગણે અને વિદેશમાં ટેસ્ટ ક્રિકેટમાં જે પણ મોટી સફળતા મેળવી છે તેમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લા એક વર્ષથી, પૂજારા કોમેન્ટ્રી ક્ષેત્રે પોતાનો હાથ અજમાવી રહ્યા છે. 2012માં રાહુલ દ્રવિડની નિવૃત્તિ પછી, પૂજારાએ ઘણા વર્ષો સુધી ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં નંબર ૩ બેટ્સમેનની ભૂમિકા ભજવી અને ભારતની બીજી દિવાલ તરીકે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી.
પૂજારાના ટોચના ટેસ્ટ રન આ રહ્યા
૧. ૨૦૬* વિરુદ્ધ ઈંગ્લેન્ડ, અમદાવાદ (૨૦૧૨)
૨. ૨૦૪ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, હૈદરાબાદ (૨૦૧૩)
૩. ૧૫૩ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, જોહાનિસબર્ગ (૨૦૧૩)
૪. ૧૪૫ વિરુદ્ધ શ્રીલંકા, કોલંબો (૨૦૧૫)
૫. ૧૦૬ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન (૨૦૧૮)
૬. ૫૬ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, બ્રિસ્બેન (૨૦૨૧)
