કચ્છનું ગૌરવ: છારી-ઢંઢ હવે આંતરરાષ્ટ્રીય ‘રામસર સાઇટ’ જાહેર
ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ તરીકે છારી-ઢંઢને મળી વૈશ્વિક ઓળખ

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ ‘છારી ઢંઢ પક્ષી અભયારણ્ય’ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કર્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે.
આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના ૨૧ ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકા જેટલો ભાગ ધરાવે છે.
જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધન માટે સરકાર પ્રયત્નશીલ
રાજ્ય સરકાર પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા અને વેટલેન્ડ સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ્સ અને વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સંકળાયેલું છે.
ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની
કચ્છના ઇકો-ટૂરિઝમ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ગણાતા બન્ની વિસ્તારના છેડે આવેલ ‘છારી-ઢંઢ’ કન્ઝર્વેશન રિઝર્વને સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ સાઇટ એટલે કે ‘રામસર સાઇટ’ તરીકે જાહેર કરવામાં આવી છે. નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી-ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે.
સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન મજબૂત બનશે
છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતા ગુજરાત માટે ગૌરવની બાબત છે. રાજ્યના પર્યાવરણીય સંરક્ષણના પ્રયાસોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે. આ માન્યતા થકી છારી-ઢંઢ વેટલેન્ડનું દીર્ઘકાળીન સંરક્ષણ સુનિશ્ચિત થશે. પ્રવાસી તથા સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન મજબૂત બનશે અને દુર્લભ તથા લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, રામસર દરજ્જાથી વિસ્તારમાં ઈકો-ટુરિઝમને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે સ્થાનિક સમુદાય માટે રોજગાર અને આવકના નવા અવસર ઊભા થશે. પર્યાવરણ જાગૃતિ, શિક્ષણ પ્રવૃત્તિઓ અને સમુદાયની સહભાગિતામાં પણ નોંધપાત્ર વધારો થશે.
રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો ભારતના કુલ ૧૧૫ રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલાં છે. ઉપરાંત, રાજ્યમાં ૧૯ વેટલેન્ડ્સ એવા છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવ વૈવિધ્યતા વિસ્તારો તરીકે ઓળખાય છે, જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન પૂરૂં પાડે છે. ઉત્તરપ્રદેશમાં પટના પક્ષી અભયારણ્ય અને ગુજરાતના છારી ઢંઢને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી તેની આજે કેન્દ્રીય પર્યાવરણ,વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પહેલા ભારતના રામસર નેટવર્કમાં બે નવા વેટલેન્ડ્સનો સમાવેશ કરવાની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું રામસર નેટવર્ક ૨૦૧૪માં ૨૬ સ્થળોથી વધીને હવે ૯૮ સ્થળોએ પહોંચી ગયું છે,જે ૨૭૬ ટકાથી વધુનો વધારો દર્શાવે છે.
