Char Dham Yatra: ભક્તો મંદિરના પરિસરમાં હવેથી આ નહીં કરી શકે…
અત્યાર સુધીમાં ચારધામમાં 3.37 લાખથી વધુ લોકોએ કર્યાં દર્શન
બદરીનાથઃ 10મી મેથી ચાર ધામ યાત્રા શરુ થઈ ગઈ છે હવે આ યાત્રામાં સામેલ થનારા ભક્તો માટે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. હવે ચારધામ (કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી)ના મંદિરોમાં મોબાઈલ લઈ જઈ નહીં શકો. એટલું જ નહીં, મંદિરોના લગભગ પચાસ મીટરના એરિયામાં કોઈ પણ વ્યક્તિ મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ મૂક્યો છે તેમ જ મંદિર પરિસરમાં રિલ્સ અને વીડિયો બનાવવા અંગે ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે સરકારે કહ્યું હતું કે સરકારે 50 મીટરના દાયરામાં રીલ્સ બનાવવા અથવા વીડિયોગ્રાફીમાં બેન મૂક્યો છે. આ સંબંધમાં ઉત્તરાખંડના ચીફ સેક્રેટરીએ તાજેતરમાં નવો આદેશ જારી કર્યો છે.
હવે ચારાધામ યાત્રા અંગે રિલ્સ બનાવીને ખોટી માહિતી અથવા અફવા ફેલાવનારા સામે પણ સખત પગલાં ભરવામાં આવશે. આ અંગે સંબંધિત લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનો પણ પોલીસ પ્રશાસને ચીફ સેક્રેટરીવતી આદેશ આપવામાં આવ્યો છે.
પોલીસ પ્રશાસન સિવાય ગઢવાલ ડિવિઝનના કમિશનર, એસપી, જિલ્લા કલેક્ટર અને ટૂરિઝમ સેક્રેટરીને આ અંગે આદેશ પાઠવવામાં આવ્યા છે. નવા આદેશ અનુસાર હવે મંદિરોમાં મોબાઈલના પ્રતિબંધ સાથે 50 મીટરના એરિયામાં રિલ્સ વગેરે બનાવવામાં પ્રતિબંધ રહેશે.
ચારધામ યાત્રા કરનારાની સંખ્યા દર વર્ષે વધતી રહે છે, પરંતુ આ વખતે જોવા મળ્યું છે કે અમુક લોકો દ્વારા મંદિર પરિસરમાં રિલ્સ બનાવવાનું ચલણ વધ્યું છે, જ્યારે તેનાથી અમુક શ્રદ્ધાળુઓને તકલીફ પડતી હોય છે, તેથી ઉત્તરાખંડ સરકારે ઉપરોક્ત નિર્ણય લીધો છે, એમ આદેશમાં જણાવ્યું હતું.
અમુક લોકો તો રિલ્સ બનાવીને ખોટી માન્યતા ફેલાવી રહ્યા છે, જે સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યા છે, જે એક મોટો ગુનો છે, તેથી જ ખાસ કરીને મંદિરોના પરિસરમાં આ પ્રકારની રિલ્સ બનાવવામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે જે કોઈ વ્યક્તિ એનો ભંગ કરશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને 31મી મે સુધી વીઆઈપી દર્શનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ આદેશમાં જણાવ્યું હતું.
દર વર્ષે ચારધામની યાત્રા કરનારાની સંખ્યામાં વધારો થાય છે, પરંતુ કુદરતી આફતોને કારણે ગમે ત્યારે યાત્રાને રોકવી પડે છે. આ વર્ષે પણ 10મીથી યાત્રા શરુ કરવામાં આવ્યા પછી 3.37 લાખ લોકોએ ચારધામના દર્શન કરૂ ચૂક્યા છે, જેમાં કેદારનાથમાં 1.55 લાખ, બદરીનાથમાં 45,000, ગંગોત્રીમાં 66,000 તેમ જ યમુનોત્રીમાં 70,000 લોકો દર્શન કરી ચૂક્યા છે.
