ચાંદીપુરા વાયરસનો ગુજરાતમાં ખતરો ટળ્યો પણ સતર્ક રહેવાનું જરુરી!
અત્યાર સુધીમાં વાયરસને કારણે 28 બાળકનાં મોત, પણ હાલમાં કેસ નથી
ગાંધીનગરઃ કોરોના મહામારી પછી ગુજરાત રાજ્યમાં નવી બીમારીનું સંકટ ઊભું થયું હતું, જેમાં ચાંદીપુરા વાયરસના વધતા સંક્રમણથી સરકાર સતર્ક બની હતી, તેમાંય અત્યાર સુધીમાં રાજ્યમાં વાયરસથી 28 બાળકનાં મોત થયા છે, એમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં ટૂંકી ટર્મના વિધાનસભાના સત્ર દરમિયાન ચાંદીપુરા વાયરસ અને વાયરલ એન્કેફેલાઇટીસની સ્થિતિ અંગેના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આજની તારીખે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કોઈ કેસ નોંધાયા નથી, પરંતુ આ અગાઉ પરિસ્થિતિ વિકટ હતી.
ગુજરાતમાં 164 એન્કેફેલાઈટીસથી સંક્રમિત હતા
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 164 વાયરલ એન્કેફેલાઇટીસ સંક્રમિત દર્દીઓને સત્વરે અને સધન સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે પૈકી 73 બાળકોના દુ:ખદ મૃત્યુ નિપજ્યા જે પૈકી ચાંદીપુરા સંક્રમિત 28 બાળકોના દુ:ખદ મૃત્યુ નોધાયા છે. તમામ કેસ પૈકી 88 બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
12 દિવસમાં એક પણ કેસ નહીં
રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાનો એક પણ નવો કેસ નોંધાયો નથી તેમજ રાજ્યમાં 12 દિવસમાં વાયરલ એન્કેફેલાઇટીસ કે ચાંદીપુરાથી સંક્રમિત એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં વર્ષ 2024માં રાજ્યના 164 જેટલા દર્દીઓને વાયરલ એન્કેફેલાઇટીસનું સંક્રમણ જોવા મળ્યું. જે પૈકી 61 જેટલા કેસ ચાંદીપુરા પોઝીટીવ હોવાનું જણાંયુ હતુ.
53,999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ
ચાંદીપુરા રોગના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે પ્રો-એક્ટિવલી કામગીરી કરી છે. રાજ્યમાં શંકાસ્પદ અને પોઝીટીવ જણાયેલ અસરગ્રસ્ત વિસ્તારો સહિતના આસપાસના વિસ્તારોમાં કુલ 53,999 ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઇ.કુલ 7,46,927 કાચા ઘરોમાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગની કામગીરી અને કુલ 1,57,074 કાચા ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે.
8,649 શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી
અસરગ્રસ્ત વિસ્તારોની કુલ 31,563 શાળામાં મેલિથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,649 શાળામાં સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી છે. કુલ 36,150 આંગણવાડીમાં મેલિહ્થિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 8,696 આંગણવાડીમાં સ્પ્રેઇંગની કામગીરી કરાઇ છે. ચોમાસાની સાથે વરસાદજન્ય બીમારી સાથે અન્ય રોગનું સંક્રમણ વધવાના ચાન્સ વધારે હોવાથી સતર્કતા વધારે રાખવી જરુરી છે, એમ પ્રશાસન દ્વારા જણાવ્યું હતું.
