July 1, 2025
નેશનલ

પૂરગ્રસ્ત ત્રણ રાજ્ય માટે કેન્દ્ર સરકારે 675 કરોડની આપી મંજૂરી, ગુજરાતને કેટલા મળ્યા?

Spread the love

નવી દિલ્હીઃ ભારતમાં આ વખતે ભારે ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં કુદરતી આફતનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ સાથે અનેક લોકોના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થવાની સાથે લાખો લોકોનું સ્થળાંતરણ કરવાની ફરજ પડી હતી. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે ગુજરાત સહિત ત્રણ રાજ્ય માટે 675 કરોડ રુપિયાની નાણાકીય મદદની જાહેરાત કરી છે.
ભારતના અનેક રાજ્યમાં પૂરને કારણે જનજીવન ખોરવાયું છે એની વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે રાતે ત્રણ પૂરગ્રસ્ત રાજ્ય ગુજરાત, મણિપુર અને ત્રિપુરાને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી કેન્દ્ર સરકાર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ તરફથી 675 કરોડ રુપિયાની ફાળવણી કરી છે. થોડા સમય પહેલા ઈન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) પૂરથી અસરગ્રસ્ત આસામ, ત્રિપુરા, કેરળ સહિત અન્ય રાજ્યમાં નુકસાનના સ્થળ પર સમીક્ષા કરવા માટે નિયુક્તિ કરવામાં આવી હતી, જે સ્થળ પરીક્ષણ અને સર્વે માટે અલગ અલગ રાજ્યની મુલાકાત લીધી હતી.
કેન્દ્ર સરકાર વતીથી મંજૂર કરવામાં આવેલા ભંડોળમાંથી ગુજરાત રાજ્યને સૌથી વધુ ફાળવણી કરી છે, ત્યાર બાદ મણિપુરનો ક્રમ આવે છે. જોકે, ત્રિપુરાને પચીસ કરોડ, મણિપુરને પચાસ કરોડ તથા ગુજરાતને 600 કરોડની ફાળવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન દરમિયાન ત્રણ રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો, જેને કારણે ભૂસ્ખલન અને પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી.
ગુજરાત, મણિપુર, ત્રિપુરાને મદદ જાહેર કરવામાં આવી છે તેની સાથે સમીક્ષા પછીના ગાળામાં પણ આસામ, મિઝોરમ, કેરળ, ત્રિપુરા, નાગાલેન્ડ, આંધ્ર પ્રદેશ, તેલંગણા વગેરે રાજ્યો પણ પૂરથી પ્રભાવિત થયા હતા. આ તમામ રાજ્યોમાં પણ સમીક્ષા કરવા માટે ટીમને મોકલવામાં ાવી હતી. આ રાજ્યોમાં પણ આઈએમસીટીની સમીક્ષા પછી સહાય જાહેર કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે દેશમાં ભારે ચોમાસું રહ્યું છે, જેમાં 21 રાજ્યને એસડીઆરએફ વતીથી 9,044 કરોડની ફાળવણી કરી છે, જ્યારે એનડીઆરએફ વતીથી પંદર રાજ્યને 1,385 કરોડ ફાળવ્યા હતા. જોકે, પૂરની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારની વિવિધ એજન્સી સાથે એસડીઆરએફ, એનડીઆરએફ સહિત અન્ય આર્મી દ્વારા પણ અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!