SMART CAT: મુંબઈમાં બિલાડીએ ઘરમાં ચોરી થતા અટકાવી, CCTV વાઈરલ
મુંબઈઃ પેટ્સ પાળવાનો શોખ થોડો મોંઘો અને અતરંગી માનવામાં આવે છે, પરંતુ પેટ્સમાં ચાહે ડોગી હોય કે કેટ્સ પણ સ્માર્ટ માનવામાં આવે છે. તેમના પરનો વિશ્વાસ લોકોનું દિલ જીતી લેતો હોય છે. તાજેતરમાં મુંબઈમાં એક એવો બનાવ બન્યો કે લોકોને બિલાડીની ચતુરાઈ ગમી ગઈ. જાણીતા ડાયરેક્ટરના ઘરમાં ચોરને ચોરી કરતા રોકી દીધો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જે વાઈરલ થયા પછી લોકોએ બિલાડીની તારીફ કરતા થાક્યા નહોતા.
મુંબઈના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સ્વપ્ના જોશીના અંધેરી સ્થિત ઘરમાં આ ઘટના બની હતી. રવિવારે રાતના સાડા ત્રણ વાગ્યાના આસપાસ ચોર ચાલાકીથી ફ્લેટમાં ઘૂસ્યો હતો. પણ ચોરે કોઈ કલ્પના કરી નહોતી કે ઘરમાં બિલાડી છે. ઘરમાં ઘૂસ્યા પછી આસપાસ જોતો રહ્યો અને કિંમતી સામાન શોધતો રહ્યો. ઘરમાં ઘૂસ્યા પછી બિલાડી છુપાઈ ગઈ અને સમય આવે ઘરના લોકોને ચાલાકીપૂર્વક જગાડી દીધા હતા અને ચોરી થતા ઘરને બચાવી લીધા હતા.
ઘરમાં બિલાડીના અવાજને કારણે ડાયરેક્ટરના જમાઈ અને દીકરી જાગી ગયા હતા અને ચોર ચોર કરીને બૂમો પાડી હતી. એ વખતે ચોર પણ ડરના માર્યા ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, ઘરમાંથી ચોર છ હજાર રુપિયા ચોરીને ભાગ્યો હતો. આ કેસમાં ડાયરેક્ટરે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટના અંગે પોલીસે તાકીદે તપાસ હાથ ધરી છે, જ્યારે સીસીટીવી ફૂટેજને જોયા પછી ઘરના લોકો પણ બિલાડીની ચાલાકીથી ખુશ થઈ ગયા હતા. ખેર, ડાયરેક્ટરને બિલાડીને પાળવાનો શોખ તો મોંઘો પડ્યો હશે, પરંતુ હાલમાં તો પરિવારને મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધો હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચા છે.