કેનેડામાં રાજકીય સંકટઃ PM જસ્ટિન ટ્રુડો એકાદ-બે દિવસમાં રાજીનામું આપી શકે
ટોરન્ટોઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અચાનક રાજીનામાની જાહેરાત કર્યા પછી દેશમાં રાજકીય અસ્થિરતાના માહોલનું નિર્માણ થવાની શક્યતા છે. આ અગાઉ પણ નાયબ વડા પ્રધાને રાજીનામું આપ્યું હતું. લિબરલ પાર્ટીના અનેક નેતાઓ જસ્ટિન ટ્રુડોના અનેક નિર્ણયોને કારણે નારાજ પણ હતા.
આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો લિબરલ નેતાના પદેથી રાજીનામું આપી શકે છે. એક યા બે દિવસમાં ટ્રુડો પોતાનું પદ છોડી શકે છે. પોતાની પાર્ટીથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ટ્રુડોની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. આગામી ચૂંટણીમાં પિઅરે પોલિએવરેના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર હાલમાં એ પણ નક્કી નથી કે તેઓ રાજીનામું આપશે, પરંતુ બુધવારે યોજાનારી રાષ્ટ્રીય કોકસ બેઠકમાં ટ્રુડો પોતાનું પદ છોડી શકે છે.
લિબરલ પાર્ટીના નેતાનો ટ્રુડો સામે બળવો
મીડિયા અહેવાલ અનુસાર જસ્ટિન ટ્રુડો સત્તાધારી લિબરલ પાર્ટીના નેતાપદેથી હટાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક દાયકાથી ટ્રુડો કેનેડાનું સુકાન સંભાળી રહ્યા છે. આ અગાઉ ટ્રુડોની સહયોગી પાર્ટી અને જગમીત સિંહના નેતૃત્વવાળી એનડીપીએ ટ્રુડો સરકારમાંથી પોતાનું સમર્થન પાછું લીધું હતું. એના સિવાય એક સર્વેમાં દાવો કરવામાં આવ્યો હતો 73 ટકા કેનેડાના નાગરિકો ઈચ્છતા હતા કે ટ્રુડો પ્રધાનમંત્રી અને લિબરલ પાર્ટીના નેતાના પદેથી રાજીનામું આપે.
મોંઘવારી અને બેકારીને કારણે સંકટમાં ટ્રુડો
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતામાં ઘટાડા માટે એક કરતા અનેક પરિબળો જવાબદાર છે, જેમાંથી મુખ્યત્વે આર્થિક વ્યવસ્થામાં સંકટ, ઘરોના ભાવમાં વધારો, અપ્રવાસી મુદ્દાનો સમાવેશ થાય છે. કોરોના મહામારી પછી કેનેડામાં મોંઘવારી આઠ ટકામાં વધારો થયો છે, જ્યારે હાલમાં બે ટકાની નીચે છે. આ ઉપરાંત, બેકારીમાં વધારો થયો છે, જે હાલમાં છ ટકાની આસપાસ છે. ટ્રુડો સરકારે કાર્બન ટેક્સ પ્રોગ્રામનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ખાલિસ્તાનીઓના વધતા પ્રભાવથી પરેશાની વધી
કેનેડામાં અન્ય પરિબળો પૈકી અપ્રવાસી મુદ્દાની સાથે ખાલિસ્તાનીઓના વધતા પ્રભાવને કારણે લોકો પરેશાન છે. તાજેતરમાં કેનેડાના નાયબ વડા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ રાજીનામું આપ્યું હતું. ક્રિસ્ટ્રિયા નાણા પ્રધાનનો પણ હોદ્દો સંભાળતા હતા, ત્યારથી ટ્રુડો પર પણ રાજીનામું આપવાનું દબાણ ચાલી રહ્યું છે. જસ્ટિન ટ્રુડોના ભારત સહિત અન્ય દેશો સાથે પણ સંબંધો વણસ્યા છે. અગાઉ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના પીએમની મજાક ઉડાવી હતી અને ટ્રુડોને કેનેડાના ગવર્નર કહ્યા હતા. કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય જાહેર કરવાની પણ ટ્રમ્પે રજૂઆત કરી હતી. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું હતું કે ગેરકાયદે ડ્રગ્સની ઘૂસણખોરી અને ગેરકાયદે પ્રવાસીઓને રોકવામાં કેનેડા નિષ્ફળ રહેશે તો 25 ટકા ટેક્સ લગાવશે, જ્યારે તેના જવાબમાં ટ્રુડોએ કહ્યું હતું કે તેનાથી અર્થતંત્રને મોટો ફટકો પડશે.