December 20, 2025
ગુજરાતટોપ ન્યુઝ

બુલેટ ટ્રેન દોડાવવા માટે રેલવે તંત્ર મક્કમઃ અમદાવાદથી મુંબઈ અબ દૂર નહીં…

Spread the love


સૌરાષ્ટ્રવાસીઓ માટે ડાયરેક્ટ અયોધ્યા જવાનું સુલભ, 2 કલાકમાં મુંબઈ પહોંચાશે


ભાવનગરઃ ગુજરાતમાંથી રવિવારે ડાયરેક્ટ અયોધ્યાની ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી. હવે ગોહિલવાડ પંથક જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે અયોધ્યા જવાનું સરળ બનશે. રવિવારે રેલવે મંત્રીએ ભાવનગર ટર્મિનસ ખાતેથી અયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને ઓનલાઈન માધ્યમથી લીલી ઝંડી આપી હતી. ભાવનગરના કાર્યક્રમ ખાતે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય પણ ઉપસ્થિત રહીને ઉદ્ઘાટન કર્યું હતું.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગરથી આ ટ્રેનોને લીલી ઝંડી આપ્યા પછી કહ્યું હતું કે આગામી વર્ષોમાં ગુજરાતને બુલેટ ટ્રેનની ભેટ પણ મળશે. અમદાવાદ-મુંબઈ એટલે ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે અને આ યોજનાનું કામ વાયુવેગે હાથ ધરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન શરુ થયા પછી અમદાવાદથી મુંબઈ વચ્ચે બે કલાકમાં પહોંચી શકાશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચેની ભારતની પહેલી બુલેટ ટ્રેન 508 કિલોમીટરનું અંતર લગભગ 2.7 કલાકમાં પાર કરવામાં આવશે. ગુજરાતમાં અમદાવાદ ખાતે સાબરમતીમાં બુલેટ ટ્રેનનું ટર્મિનસ બાંધવામાં આવી રહ્યું છે, જ્યારે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. કલાકના 320 કિલોમીટરની સ્પીડથી બુલેટ ટ્રેન દોડશે, જ્યારે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, સુરત, વાપી અને મુંબઈનો સમાવેશ થાય છે.

આ અગાઉ રેલમંત્રીએ કહ્યું હતું કે વાપી અને સાબરમતીની વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોરના પહેલા તબક્કાનું કામ ડિસેમ્બર, 2027 સુધીમાં પૂરું કરવાની યોજના છે, જ્યારે મહારાષ્ટ્રમાં સાબરમતી સેક્શનનું કામ 2029 સુધીમાં પૂરું કરવાની અપેક્ષા છે, એમ રેલમંત્રીએ લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. બુલેટ ટ્રેનના કોરિડોર માટે વિવિધ વિવાદ પછી સરકારે જમીન અધિગ્રહણ સફળતાથી પાર પાડ્યું છે, જ્યારે કરોડો રુપિયાના ખર્ચા પછી નવી હાઈ સ્પીડ યા સેમી સ્પીડ માટે પણ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી ભારત સ્પીડ યુગમાં મંડાણ માંડી શકશે.

રેલવે મંત્રીએ કહ્યું હતું કે અમદાવાદથી મુંબઈ હાઈ સ્પીડ રેલ (એમએએચએસઆર)ની યોજના (508 કિલોમીટર) જાપાનની ટેક્નિક અને નાણાકીય સહાયતાથી પૂરી કરવામાં આવશે. આ યોજના અન્વયે અમદાવાદમાં સાબરમતી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ (બીકેસી) સ્ટેશનનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!