Budget Allocations to Ministeries: ગૃહ, આરોગ્ય કરતા આ મંત્રાલયને મળ્યું વધુ ફંડ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમને મંગળવારે પોતાનું સાતમું અને મોદી સરકાર-3.0નું પહેલું બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2024-25 માટે નાણા પ્રધાને કૂલ 48.20 લાખ કરોડનું રુપિયાનું બજેટ રજૂ કર્યુ હતું. સંરક્ષણ ક્ષેત્રની વિવિધ જરુરિયાતોને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ 2024-25 માટે સંરક્ષણ મંત્રાલયને 6.21 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જે ગયા વર્ષની તુલનામાં 5.94 લાખ કરોડ વધુ હતી. નાણાકીય વર્ષ 2024-25 માટે સંરક્ષણ ક્ષેત્ર માટે ભારત સરકારના કૂલ બજેટના 12.9 ટકા છે. મોદી સરકારમાં સંરક્ષણ ક્ષેત્રને સૌથી વધુ મહત્ત્વ મળી રહ્યું છે, જેમાં ગૃહ, આરોગ્ય મંત્રાલય કરતા પણ રાજનાથ સિંહના ડિફેન્સ સેક્ટરને સૌથી વધુ ભંડોળ મળ્યું હોવાનું પુરવાર થયું છે. મોદી સરકારની કેબિનેટમાં સેકન્ડ નંબર રહેનારા રાજનાથ સિંહના મંત્રાલયને વધુ ભંડોળ બજેટમાંથી ફાળવ્યું છે.
બીજી બાજુ મોદી સરકારમાં ત્રીજા સ્થાને રહેનારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય એટલે અમિત શાહના મંત્રાલયને બજેટમાંથી 2,19,643.31 કરોડ રુપિયાની ફાળવણી કરી છે, જેમાં 1,43,275.90 કરોડ રુપિયાનો ભાગ સીઆરપીએફ, બીએસએફ અને સીઆઈએસએફ જેવી કેન્દ્રીય પોલીસ ફોર્સનો છે. નાણાકીય વર્ષ 2024-25ના વચગાળાના બજેટમાં ગૃહ મંત્રાલયને 2,02,868.70 કરોડ રુપિયાની ફાળવણી કરી છે, જ્યારે રાજનાથ સિંહના મંત્રાલયને અમિત શાહના ગૃહ મંત્રાલયને ત્રણ ગણું વધુ ભંડોળ ફાળવ્યું છે.
બીજી બાજુ જેપી નડ્ડાના આરોગ્ય મંત્રાલયને 2024-25ના બજેટમાં 90,958.63 કરોડ રુપિયાની ફાળવણી કરી છે, જે 2023-24ના સંશોધિત અનુમાન 80,517.62 કરોડ રુપિયાથી 12.96 ટકા વધુ છે. નાણા પ્રધાન કેન્સરના ઉપચારની ત્રણ દવા ટ્રેસ્યુજુમૈબ ડેરક્સટેકન, ઓસિમર્ટિનિબ અને ડુરવાલુમૈબ પરના ટેક્સમાં છૂટ આપી છે. આરોગ્ય સિવાય કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય (શિવરાજ સિંહ ચૌહાણ)ને 2.66 લાખ કરોડની ફાળવણી કરી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ત્રણ કરોડ વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, કૃષિ મંત્રાલયને 1.52 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરી છે. નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં 10 મુખ્ય મંત્રાલયના આટલા કરોડની ફાળવણી કરી છે.
સંરક્ષણ મંત્રાલય 6.21 લાખ કરોડ રુપિયાની ફાળવણી
ગ્રામીણ વિકાસ 2.66 લાખ કરોડ
રેલવે મંત્રાલય 2.52 લાખ કરોડ
ગૃહ મંત્રાલય 2.19 લાખ કરોડ
કૃષિ મંત્રાલય 1.52 લાખ કરોડ
આઈટી ટેલિકોમ 1.28 લાખ કરોડ
શિક્ષણ મંત્રાલય 1.26 લાખ કરોડ
આરોગ્ય મંત્રાલય 90,958 કરોડ
વેપાર ઉદ્યોગ 47,559 કરોડ
સામાજિક ન્યાય 13,539 કરોડ
ઊર્જા મંત્રાલય 851 કરોડ
