સલામઃ આર્મીના જવાને આગ ઓકતી ગરમીમાં રેતી પર સેક્યો પાપડ, તસવીરો વાઈરલ
બિકાનેરઃ દેશમાં ગરમીનું મોજું પાટનગર દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી વળ્યું છે, જ્યારે આગામી દિવસોમાં રાજ્યના મહાનગરો પણ હીટવેવની અસરથી બાકાત રહી નહીં શકે, ત્યારે રાજસ્થાનમાં આગ ઓકતી ગરમી પડી રહી છે. ભારત-પાકિસ્તાનની સરહદ પર ભયંકર ગરમી પડી રહી છે ત્યારે રણમાં રીતસરના અગનજવાળાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં બીએસએફના જવાને રેત પર પાપડ સેક્યો અને એના ફોટા પણ વાઈરલ થઈ રહ્યા છે.
રાજસ્થાનમાં બિકાનેર, બાડમેર, સહિત જેસલમેર વગેરે જગ્યાએ તાપમાનનો પારો રોજ વધતો જાય છે, જેમાં ગઈકાલે બિકાનેરમાં 47 ડિગ્રી પાર થયો હતો, પરંતુ બિકાનેરમાં તો એટલી ગરમી પડી રહી હતી કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાને તો આગ ઓકતી ગરમી પડી રહી હોવાનું પુરવાર કરવા માટે રેતી પર પાપડ સેક્યો હતો. સામાન્ય રીતે ગૃહિણીઓ ગેસ યા સગડી પર પાપડ સેકતી હોય છે, પણ જવાને પાપડ સેકીને ગરમીનો પુરાવો આપ્યો છે.
વધતી ગરમીને લઈને મહાનગરોના લોકો આખો દિવસ-રાત એસીમાંથી બહાર આવતા નથી, જ્યારે બહાર આવ્યા પછી ગરમી પર પસ્તાળ મૂકતા હોય છે ત્યારે વિપરીત સંજોગોમાં પર સરહદની રક્ષા કરવાનું જવાનો ચૂકતા નથી. વાયરલ થયેલા ફોટો બિકાનેરના ખાજુવાલા નજીકનો છે, જે વિસ્તાર ભારત-પાકિસ્તાનની સરહદ નજીકનો છે. અહીંનો વિસ્તાર લગભગ રણનો છે.
અહીં એ જણાવવાનું કે દર બે ત્રણ વર્ષે આગ આકતી ગરમી પડે ત્યારે બીએસએફના જવાનો નાગરિકોને ગરમનો પરિચય કરાવે છે. આ અગાઉ 2022માં આ જ પ્રકારનો વીડિયો વાઈરલ થયો હતો. ચુરુ જિલ્લામાં ભીષણ ગરમી વચ્ચે વિના આગ રેતી પર આમલેટ બનાવી હતી.
આર્મીના જવાનો બોર્ડર પર પર્વતીય વિસ્તારોમાં ભયંકર ઠંડી-તાપનો સામનો કરીને સરહદની રક્ષા કરી રહ્યા છે ત્યારે વાઈરલ થયેલા પાપડે દેશની રક્ષા કરનારા જાબાંજ જવાનો માટે એક સલામ તો બનતી હૈ.