નવરાત્રીનો બીજો દિવસઃ બ્રહ્મચારિણી માતાનો કરો પૂજાપાઠ, મનોકામના પૂરી કરશે માતાજી
નવરાત્રિના બીજા દિવસ દરમિયાન બ્રહ્મચારિણી માતાજીની પૂજા કરો. માતાજીની ભક્તિભાવ પૂર્વક ભક્તિ કરવાથી જીવનમાં સફળતા મળે છે. આજે નવરાત્રીના બીજા દિવસે માતા દુર્ગાના બીજા સ્વરુપ માતાજી બ્રહ્મચારિણીનું પૂજન કરવામાં આવે છે.
શિવજીને પામવા દેવીએ કર્યું હતું તપ
ધાર્મિક માન્યતા અનુસાર દેવી બ્રહ્મચારિણીએ ભગવાન શિવજીને પતિના રુપમાં પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ તપને કારણે તેમનું નામ બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવે છે. બ્રહ્મચારિણીનો અર્થ બ્રહ્મ શબ્દ તપસ્યા છે, જ્યારે બ્રહ્મચારિણીનો અર્થ છે, તપનું આચરણ કરનારી. દેવી બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાથી વ્યક્તિના દરેક કામમાં જીત પ્રાપ્ત થાય છે. માતા બ્રહ્મચારિણીની પૂજા કરનારા જાતકનો સર્વત્ર વિજય થાય છે.
સખત મહેનત અને ક્યારેય હાર નહીં માનવા પ્રેરણારુપ
બ્રહ્મચારિણી માતા સફેદ વસ્ત્ર ધારણ કરતા માતાજીના બંને હાથમાં માળા, કમંડળ છે. માતાજીની ભક્તિ કરવાથી વ્યક્તિમાં જપતપ અને શક્તિમાં વધારો થાય છે. મા બ્રહ્મચારિણી પોતાના ભક્તોને સંદેશ આપ્યો છે કે પરિશ્રમથી જ સફળતા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે નારદજીના ઉપદેશથી બ્રહ્મચારિણીએ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી, તેથી તેમને તપશ્ચારિણી પણ કહેવાય છે. માતાજીએ હજારો વર્ષો સુધી જમીન પર પડેલા બિલિપત્રો ખાઈને ભગવાન શંકરની આરાધના કરી હતી, ત્યારબાદ તેમનું નામ અપર્ણા પડ્યું હતું. માતાજી ખાસ કરીને સખત પરિશ્રમ કરવા અને ક્યારેય હાર નહીં માનવા માટે પ્રેરણા આપે છે.
માતાજીને ભજવા માટેનો મંત્ર
મા બ્રહ્મચારિણીને સાકર યા ગોળનો ભોગ ધરાવી શકો છો, જ્યારે ગોળથી બનાવેલી વાનગી પણ ધરાવી શકો છો. આજે નવરાત્રીના બીજા દિવસે માતાજીને વડના વૃક્ષનું પૂલ અર્પણ કરી શકો છો તેમ જ માતાજીને ભજવા માટે ઓમ દેવી બ્રહ્મચારિણ્યૈ નમઃ, યા દેવી સર્વભૂતેષુ માં બ્રહ્મચારિણી રુપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ અને દધાના કપાભ્યામક્ષમાલાકમન્ડલુ દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા પણ બોલી શકો છો અથવા તેની માળા પણ કરી શકો છો.
