મુંબઈની 50થી વધુ હોસ્પિટલને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી…
મુંબઈ: મુંબઈની 50થી વધુ હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે અને તંત્ર એકદમ એલર્ટ મોડ પર છે.
આ બાબતે માહિતી આપતા મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે જસલોક હોસ્પિટલ (Jaslok Hospital), સેવન હિલ (Seven Hill), રાહેજા હોસ્પિટલ (Raheja Hospital), કોહિનૂર હોસ્પિટલ (Kohinoor Hospital), કેઈએમ હોસ્પિટલ (KEM Hospital), સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ (Saint George Hospital), જે જે હોસ્પિટલ (J J Hospital) સહિત 50થી વધુ હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકીના મેલ 17મી જૂનના વીપીએન નેટવર્કનો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યા છે. હજી સુધી મેલ મોકલનાર વ્યક્તિની ઓળખ કે તેના હેતુની જાણ થઈ શકી નથી.
પોલીસ દ્વારા આ બાબતે વધુમાં આપવામાં આવેલી માહિતી અનુસાર બધા ધમકીવાળા મેલ એક જ આઈડી -Beeble.com પરથી મોકલવામાં આવ્યા છે. આ વેબસાઈટનું સર્વર સાઇપ્રસમાં લોકેટેડ હતું. મેલમાં હોસ્પિટલના બેડની નીચે અને બાથરૂમમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલ તો પોલીસ આ બાબતની ગંભીરતા સમજીને વધુ તપાસ કરી રહી છે.
આ ઉપરાંત મુંબઈની હિંદુજા કોલેજ ઓફ કોમર્સને પણ એક મેલ મોકલવામાં આવ્યો છે જેમાં કોલેજને બોમ્બથી ઉડાવી દેવની ધમકી આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને એન્ટી બોમ્બ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ સિવાય આજે ગુજરાતના વડોદરા એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. વડોદરા એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મળતા જ આખું તંત્ર દોડતું થઈ ગયું હતું અને એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. સીઆઈએસએફ દ્વારા પણ એરપોર્ટ પર આવતા વાહનોની કડક તપાસ કરવામાં આવી હતી. જોકે આ મેલ કોણે, ક્યાંથી અને કેમ મોકલવામાં આવ્યા છે એનું કારણ જાણી શકાયું નહોતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવેલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ બાબતે તપાસ કરવામાં આવતા કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. પરંતુ ધમકીભર્યા મેલને કારણે એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
