બોલીવુડના કલાકારો બન્યા મુંબઈના ‘પ્રોપર્ટી કિંગ’, દર મહિને કરે છે લાખોની કમાણી!
અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અને રિતિક રોશન સહિતના દિગ્ગજો શા માટે કરી રહ્યા છે મુંબઈના પ્રાઈમ લોકેશન પર લાખો-કરોડોનું રોકાણ અને મેળવી રહ્યા છે ‘પેસિવ ઇન્કમ’.
મહાનાયક અમિતાભ બચ્ચનથી લઈને બાદશાહ શાહરુખ ખાન અને રિતિક રોશન સુધી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ હવે રિયલ એસ્ટેટના મોટા બાદશાહ બની ગયા છે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે હવે મુંબઈના દિગ્ગજ અભિનેતાઓ મુંબઈના પ્રાઈમ લોકેશન પર કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે, જેમાં વિના શૂટિંગ દર મહિને લાખો-કરોડોની કમાણી થવા લાગી છે.
શ્રીલોટસ ડેવલપર્સ જેવી જાણીતી રિયલ એસ્ટેટ કપંનીમાં બોલીવુડના કલાકારોએ દિલ ખોલીને રોકાણ કર્યુ છે. કિંગ ખાનની કંપનીમાં 10.1 કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે બીગ બીએ પણ 10 કરોડનું રોકાણ કર્યું છે. ટ્રેન્ડ દર્શાવે છે કે હવે અભિનેતાઓ ફક્ત ફિલ્મ લાઈન પર નિર્ભર રહ્યા નથી. હોટેલ અને પ્રોડક્શન સિવાય રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને અઢળક કમાણી કરી રહ્યા છે.
આ યાદીમાં મોખરાનું સ્થાન રિતિક રોશન અને તેના પિતાનું નામ છે. રાકેશ રોશનની કંપની એચઆરએક્સ ડિજિટેક એલએલપીએ મુંબઈમાં ચાર કમર્શિયલ યુનિટની ખરીદી કરી હતી. મહારાષ્ટ્ર આઈજીઆર રેકોર્ડ્સ મુજબ 10.9 કરોડ રુપિયાની આ ડિલ થઈ હતી, જે અંધેરીમાં આવેલી છે, જે મીડિયા અને ક્રિયેટિવ ઈન્ડસ્ટ્રીનું હબ માનવામાં આવે છે. મજબૂત કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આ વિસ્તારમાં પ્રોપર્ટીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. ફક્ત રિતિક રોશન જ નહીં, અજય દેવગન, એકતા કપૂર, ટાઈગર શ્રૌફ, સારા અલી ખાન સહિત રાજકુમાર રાવ વગેરે કલાકારો પણ રોકાણ કરી રહ્યા છે.
રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાથી ડબલ ફાયદો થાય છે, જેમાં પેસિવ ઈન્કમ, વિના કોઈ કામકાજ આવક પણ થાય છે, તેથી બોલીવુડના કલાકારો જોર લગાવીને રોકાણ કરે છે. ફ્લેટ્સ, ઓફિસ સ્પેસને પણ ભાડે આપીને કમાણી કરે છે. ઉદાહરણ તરીકે જોહન અબ્રાહમે મુંબઈના બાંદ્રામાં એપાર્ટમેન્ટ ભાડે પર આપ્યો છે, જેનું મહિને ભાડું 7.50 લાખ રુપિયા આવે છે. 36 મહિના માટે લીઝ માટે 24 લાખ રુપિયા અને સિક્યોરિટી ડિપોઝિટ મળે એ અલગ છે.
એ જ રીતે નેવુંના દાયકાની અભિનેત્રી કાજોલ હોય કે કરિશ્મા કપૂર પણ રોકાણ કરવામાં અવ્વલ છે. કાજોલે ગોવામાં 5 બીએચકેનો વિલા છે, જે ભાડે પર આપ્યો છે. એના સિવાય ગોરેગાંવમાં એક કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે, જેનાથી મહિને સાત લાખની આવક થાય છે. બિગ બીનો પણ રિયલ એસ્ટેટનો પોર્ટફોલિયો મજબૂત મનાય છે. જલસા, પ્રતીક્ષા, જનક, વત્સ વગેરે બંગલા તો જાણીતા છે, પરંતુ અન્ય કમર્શિયલ પ્રોપર્ટીઝ પણ સોનાની મરઘી સમાન છે. ઓશિવરામાં લોટસ સિગ્નેચરમાં 10,180 ચોરસ ફૂટની પ્રોપર્ટી છે, જેને ભાડે આપીને મહિને લાખોની કમાણી કરે છે.
