December 20, 2025
બિઝનેસ

BMWનું રેકોર્ડ બ્રેકિંગ વેચાણ: GSTમાં ઘટાડો અને તહેવારોની સિઝન બન્યા વરદાન

Spread the love

ત્રીજા ત્રિમાસિકગાળામાં સૌથી વધુ 4,200થી વધુ કાર વેચાઈ, EV સેગમેન્ટમાં 246 ટકાની વૃદ્ધિ

જર્મનીની લક્ઝરી બ્રાન્ડ નિર્માતા ઓટોમોબાઈલ કંપની બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયાએ આ વર્ષના ત્રીજા ત્રિમાસિકગાળા (જુલાઈથી સપ્ટેમ્બર)માં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાવ્યું છે. કંપનીએ કૂલ 4,200થી વધુ કાર વેચી છે, જે ગયા વર્ષની તુલનામાં 21 ટકાનો વધારો દર્શાવે છે. કંપની કહે છે કે જીએસટી (ગૂડ્સ સર્વિસ ટેક્સ)માં ઘટાડો અને તહેવારોની સિઝનને કારણે વધારો થયો છે, પરંતુ કંપનીએ મોંઘવારીના દિવસોમાં પણ જોરદાર નફો રળ્યો છે.

અન્ય ઓટોમોબાઈલની કંપનીના માફક બીએમડબલ્યુએ પોતાની તમામ બ્રાન્ડની કારનું મજબૂત વેચાણ કર્યું છે. આ મુદ્દે કંપનીના સીઈઓએ કહ્યું હતું કે આ વર્ષે ભારતમાં અપેક્ષા કરતા પણ વધારે વેચાણ થવાની અપેક્ષા છે. આ વખતે અમે ડબલ ડિજિટની વૃદ્ધિ જોઈ શકીએ છીએ. એક તો GSTમાં ઘટાડા અને તહેવારોની મોસમથી બજારમાં ખરીદીનું વાતાવરણ સુધર્યું છે. ઓગસ્ટ સુધીમાં અમે લગભગ 11 ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યા હતા, પરંતુ સપ્ટેમ્બર પછી તેમાં વધારો થઈને હવે 13 ટકા થઈ ગઈ.

કંપનીના સીઈઓે આગળ કહ્યું કે આ વર્ષના પહેલા નવ મહિનામાં (જાન્યુઆરી થી સપ્ટેમ્બર 2025) કુલ 11,978 કાર વેચી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 13 ટકા વધુ છે. આમાંથી 11,510 BMW કાર હતી, જ્યારે 468 મિની બ્રાન્ડની હતી. આ ઉપરાંત, BMW મોટરસાઇકલનું વેચાણ પણ ઉત્તમ રહ્યું અને આ સમયગાળા દરમિયાન 3,976 મોટરસાઇકલનું વેચાણ થયું હતું.

BMW ના ઇલેક્ટ્રિક વાહન (EV) સેગમેન્ટમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. કંપનીએ EV વેચાણમાં વાર્ષિક ધોરણે 246 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 2,509 ઇલેક્ટ્રિક BMW અને મીની કાર વેચાઈ છે. એકંદરે, BMW ઇન્ડિયાનું આ પ્રદર્શન માત્ર કંપની માટે જ નહીં પરંતુ ભારતના લક્ઝરી કાર બજાર માટે પણ સકારાત્મક સંકેત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!