February 19, 2026
મહારાષ્ટ્રમુંબઈ

કાળઝાળ ગરમીમાં પાલિકાએ 30મી મેથી કરી 10 ટકા પાણીકાપની જાહેરાત

Spread the love

મુંબઈ સાથે થાણે અને ભિવંડી પાલિકાની હદમાં પાણી કાપ લાગુ થશે

મુંબઈ: મુંબઈગરા પહેલાંથી જ સતત વધી રહેલા ઉકળાટથી પરેશાન છે અને હવે તેમની આ મુશ્કેલીમાં વધારો કરતાં સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈ મહાનગર પાલિકા દ્વારા હવે પાણીકાપ લાગુ કરવાનો નિર્ણય(BMC Announced Water Cut In Mumbai) લેવામાં આવ્યો છે. પાલિકા દ્વારા 30મી મેથી પાંચ ટકા પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે જ્યારે જૂનમાં આ કાપ 10 ટકા કરવામાં આવશે એવી માહિતી પણ સૂત્રો દ્વારા આપવામાં આવી છે. આ પાણીકાપ આગામી ગુરુવારના 30 તારીખથી અમલી થશે.
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષમાં એટલે કે 2021 અને 2022માં ચોમાસુ 15મી ઓક્ટોબર સુધી સક્રિય હતું અને 2023માં ઓકટોબર મહિનામાં એની સરખામણીએ ઓછો વરસાદ થયો હતો.
ગયા વર્ષની સરખામણીએ હાલમાં જળાશયોમાં 5.64 ટકા પાણીપુરવઠો ઓછો છે. જેને કારણે તકેદારીના પગલાંરૂપે પાલિકા દ્વારા આ પાણીકાપ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત પાલિકા દ્વારા નાગરિકોને પણ રોજબરોજના જીવનમાં પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. શક્ય હોય એટલી પાણીની બચત કરીને તેને ફરી ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય એ દિશામાં પ્રયાસો કરવાની ભલામણ પણ પાલિકાએ નાગરિકોને કરી છે.
મુંબઈ મહાનગર પાલિકાના 10 ટકા પાણી કાપ સાથે નજીકના જિલ્લા થાણે અને ભિવંડી પાલિકા દ્વારા પણ આ પાણી કાપ જાહેર કરવામાં આવ્યો છે. આમ થાણે અને ભિવંડીમાં પાણી કાપ લાગુ પડવાનો હોવાથી લોકોએ પાણીનો વપરાશ સંભાળીને કરવાનો હિતકારી રહેશે.
27મી અને 28મી મેના મુંબઈના આ વિસ્તારોમાં નહીં થાય પાણી પુરવઠો
મુંબઈના મલાડ વેસ્ટ ખાતે 27મી અને 28મી મે, 2024ના રોજ પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. મલાડ પશ્ચિમ ખાતે પાણી પુરવઠાની વ્યવસ્થામાં કાયમી ફેરફાર કરવાનું કામ હાથ ધરવામાં આવવાનું હોઈ 27મી મેના રાતે 10 વાગ્યાથી 28મી મેના રાતે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. આને કારણે સોમવાર અને મંગળવારના પી ઉત્તર, આર દક્ષિણ અને આર મધ્ય વિભાગમાં પાણી નહીં આવે એવી માહિતી પાલિકા દ્વારા આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!