વાયનાડ પેટાચૂંટણીઃ પ્રિયંકા ગાંધી સામે ભાજપે આ મહિલા નેતા પર રમ્યો જુગાર, કોણ છે?
નવી દિલ્હી-વાયનાડઃ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી ઉતારવા માટે કોંગ્રેસની આગેવાની ઈન્ડિ ગઠબંધન એક થઈને લડ્યું, પણ પનો ટૂંકો પડ્યો. કોંગ્રેસ અને ગઠબંધન તો સત્તામાં આવ્યું નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને હંફાવી નાખ્યું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી એક નહીં, બે સીટ પરથી ચૂંટણી જીત્યા. બે સીટ પર જીત્યા પછી વિપક્ષનું પદ મળ્યું, પરંતુ એક બેઠકને જતી કરવાની નોબત આવી અને કેરળની વાયનાડની બેઠક જતી કરી અને બહેન પ્રિયંકા ગાંધી વડેરાને નોમિનેટ કર્યા હોવાની ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)એ જાહેરાત કરી હતી.
નવ્યા હરિદાસ સામે પ્રિયંકા ગાંધીની રહેશે ટક્કર
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે 48 વિધાનસભાની સાથે અન્ય ત્રણ લોકસભાની પેટા ચૂંટણીની તારીખ ચૂંટણી પંચે જાહેર કરી હતી. વાયનાડની પેટા ચૂંટણી માટે પ્રિયંકા ગાંધીની કોંગ્રેસના નામની જાહેરાત કર્યા પછી ભાજપે શનિવારે તેમની સામે ઉમેદવારની જાહેરાત કરી. પ્રિયંકા ગાંધી સાથે ભાજપે નવ્યા હરિદાસની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા. કેરળની વાયનાડ બેઠક સાથે ભાજપે આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી હતી.
રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં વાયનાડ અને અમેઠી એમ બે બેઠક પર ચૂંટણી જીત્યા હતા અને બંને સીટ પરથી જીત મેળવી હતી ત્યાર બાદ રાહુલ ગાંધીએ વાયનાડની બેઠક છોડી હતી અને અમેઠીની બેઠક જાળવી રાખી હતી.
મિકેનિકલ એન્જિનિયર નવ્યા યુવા ચહેરો મનાય છે
પ્રિયંકા ગાંધીના માફક નવ્યા હરિદાસ પણ આક્રમક લીડર છે. મિકેનિકલ એન્જિનિયર નવ્યા હરિદાસ કોઝિકોડની કોર્પોરેટર છે અને ભાજપ મહિલા મોરચાની રાજ્યની મહાસચિવ છે. નવ્યા હરિદાસ ભાજપનો યુવા ચહેરો માનવામાં આવે છે અને યુવાનોની વચ્ચે હવે પ્રિયંકા ગાંધીની સાથે નવ્યાને પસંદ યા ચૂંટવાનું મુશ્કેલભર્યું કામ રહેશે. 2007માં કેએમસીટી એન્જિનિયરિંગ કોલેજમાંથી બીટેક ડિગ્રી મેળવનાર નવ્યાને નામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી. 1.29 કરોડની સંપત્તિ ધરાવનાર નવ્યા ભાજપની પાર્લામેન્ટ પાર્ટી લીડરની સભ્ય છે તેમ જ બીજેએમએમની સ્ટેટ જનરલ સેક્રેટરી છે.
ભાજપે પ્રિયંકા ગાંધીની તુલનામાં વધુ એક લોકપ્રિય યુવા નેતાની પસંદગી કરીને ભાજપે ચૂંટણીમાં મોટો જુગાર રમ્યું છે અને હવે એ જોવાનું રહેશે કે લોકો કોને પસંદ કરે છે. અહીં એ જણાવવાનું કે 13મી નવેમ્બરે પેટા ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે પરિણામે 23મી નવેમ્બરે આવશે.