ભાવનગર–ધોલેરા રેલ લાઇન: ફાઈનલ લોકેશન સર્વેની કામગીરી શરૂ, સૌરાષ્ટ્રની કનેક્ટિવિટી સુધરશે
DSIR અને ભાવનગર પોર્ટને જોડતી 65 કિમી લાંબી નવી બ્રોડગેજ લાઇનના પ્રોજેક્ટને મળી ગતિ

ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં પણ હવે રેલવે નિર્ધારિત પ્રોજેક્ટને ઝડપથી પાર પાડવા પ્રયાસ કરી રહ્યું છે, જે અંતર્ગત ભાવનગર-ધોલેરા રેલવે લાઈનનું કામ પણ ઝડપી બન્યું છે. રેલવે પ્રશાસને નિર્ધારિત 65 કિમી લાંબી ભાવનગર–ધોલેરા રેલવે લાઇન માટે ફાઈનલ લોકેશન સર્વે શરૂ કર્યો છે. આ એક મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે, જેનો ઉદ્દેશ્ય કનેક્ટિવિટીમાં સુધારો લાવવાનો અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR)માં કામમાં ઝડપ લાવ્યા છે.
આ પ્રોજેક્ટ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) દિનેશ વર્માએ કહ્યું હતું કે એકવાર ઓન-સાઇટ લોકેશન સર્વે પૂર્ણ થઈ જાય પછી, એક વિગતવાર અહેવાલ તૈયાર કરીને રેલવે બોર્ડને સુપરત કરવામાં આવશે. બોર્ડ આ અહેવાલની તપાસ કરશે અને મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટ પર આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
ભાવનગર રેલવે ડિવિઝન કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધતા વર્માએ જણાવ્યું હતું કે રેલવે મંત્રાલયે ભાવનગરને ધોલેરા સાથે નવી બ્રોડગેજ લાઇન દ્વારા જોડવા માટે સર્વે શરૂ કર્યો છે.
સર્વેનો હેતુ: આ પ્રોજેક્ટથી ભાવનગર પોર્ટનો વધુ સારો ઉપયોગ થવાની અને DSIRના ઝડપી વિકાસમાં મદદ મળવાની અપેક્ષા છે. આ સર્વેમાં અલાઇનમેન્ટની વ્યવહારિકતા, આવતી અડચણો અને સંચાલન પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યારબાદ અંતિમ નિર્ણય માટે અહેવાલ રેલવે બોર્ડને મોકલવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ઓગસ્ટ મહિનામાં ભાવનગરની મુલાકાત લીધી હતી, સાઇટ પર સૂચિત અલાઇનમેન્ટ નકશાઓની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને આ રેલ લિંક પર જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
અન્ય વિકાસ કાર્યો
DRM એ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોની માંગને આધારે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવે છે, જ્યારે અમરેલી-ખિજડીયા બ્રોડગેજ પરિવર્તનનું કામ પૂર્ણ થવાને આરે છે. મુસાફરોની સુવિધાઓ વધારવા માટે, ભાવનગર રેલવે ડિવિઝનના 15 સ્ટેશનો પર હાલમાં ‘અમૃત ભારત સ્ટેશન’ પુનઃવિકાસના કામો ચાલી રહ્યા છે.
