તહેવારોમાં સાચવજોઃ આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, રેડ એલર્ટ જારી
મોરબીમાં કોઝવેમાં ટ્રેક્ટર ટ્રોલી ઊંધી વળી, 17 લોકો તણાયા
ગાંધીનગરઃ છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે, ત્યારે આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે, જેમાં દરિયા-નદી કિનારાના આસપાસના રહેવાસીઓ લોકોને સતર્ક રહેવા ચેતવણી આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો પ્રકોપ સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે અમરેલી, વડોદરા, વલસાડ વગેરે જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું છે. શનિવારથી સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે તહેવારોમાં મેળામાં ફરવાની મંછા પર પાણી ફેરવાયા છે.
મોરબીના હળવદ તાલુકાના ધાવા ગામમાં ભારે વરસાદમાં કોઝવે પરથી પસાર થનારું ટ્રેક્ટર ઊંધું વળ્યું હતું. પાણીમાં જોરદાર વહેણને કારણે ટ્રેક્ટરમાં તણાયું હતું. એ વખતે ટ્રેક્ટરમાં ડ્રાઈવર સહિત 17 લોકો પાણીના વહેણમાં તણાયા હતા.
#WATCH | Gujarat: Search & rescue operation carried out for 17 people stranded after a tractor's attached trolley overturned near Morbi's Dhavana village. pic.twitter.com/MUjzrgfInt
— ANI (@ANI) August 26, 2024
આ બનાવની જાણ થતા રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 10 લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે અન્ય લોોકની શોધખોળ ચાલુ છે. અસરગ્રસ્તોને મદદ કરવા માટે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારને લઈ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ભારે વરસાદને કારણે મેળાની જગ્યાએ પાણી ફરી વળ્યા છે. આગામી દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિ રહેવાની વહીવટી પ્રશાસને પણ શક્યતા વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની તાકીદ કરી છે, જેમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, બરોડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કચ્છ, અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી (ખેરગામ 10 ઈંચ)માં નોંધાયો છે, ત્યારબાદ નર્મદા, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, ડાંગ, તાપી, મોરબી, છોટાઉદેપુર, વડોદરા, તાપી, સુરત, ભરૂચ અને તાપીનો સમાવેશ થાય છે. રાજ્યના 200થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. વલસાડ અને નવસારી જિલ્લાની નદીઓ ભયજનક સપાટી પાર કરતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે.