March 25, 2026
હેલ્થ

હાઈ બ્લડ પ્રેશરથી છો પરેશાન? તો આહારમાં સામેલ કરો આ પાંચ સુપરફૂડ્સ, દવા વિના બીપી રહેશે કંટ્રોલમાં

Spread the love

આજકાલની સ્ટ્રેસથી ભરપૂર લાઈફમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ વગેરે એવી બીમારીઓ છે કે જે ખૂબ જ સામાન્ય બની ગઈ છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું હાઈ બ્લડ પ્રેશર વિશે અને જેમને હાઈ બ્લડ પ્રેશર હોય એવા લોકોએ કયા પ્રકારનું ભોજન કે ખાદ્યપર્દાથ ખાવા જોઈએ એ વિશે.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર હાઈ બ્લડ પ્રેશર હોય કે પછી હાઈપર ટેન્શનની સમસ્યા ધરાવતા લોકો માટે ડાયેટમાં ફેરફાર કરવો અત્યંત જરૂરી છે. પ્રોપર બેલેન્સ ડાયેટની મદદથી બ્લડ પ્રેશરને નેચરલી જ કન્ટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં પણ આને કારણે હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડી શકાય છે. ચાલો જોઈએ કયા છે આ સુપર ફૂડ્સ કે જેની મદદથી તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને કન્ટ્રોલ કરી શકો છો.

પાંદડાવાળા શાકભાજી: પાલક, મેથી તાંદળજા જેવી પાંદડાવાળી શાકભાજીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ જોવા મળે છે. પોટેશિયમ કિડનીને પેશાબ દ્વારા શરીરમાંથી વધારાનું સોડિયમ એટલે કે મીઠું બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરે છે, જે બ્લડ પ્રેશર ઘટાડવા માટે અનિવાર્ય છે.

કેળા: પાંદડાવાળી શાકભાજી સિવાય કેળાનો સમાવેશ પણ તમારે તમારા ડાયેટમાં કરવો જોઈએ. કેળામાં પોટેશિયમની માત્રા ખૂબ વધારે હોય છે. તે શરીરમાં સોડિયમની અસરને ઓછી કરે છે અને રક્તવાહિનીઓની દિવાલો પરના તણાવને ઘટાડે છે. દરરોજ એક કેળું ખાવાથી બીપી મેનેજ કરવામાં ઘણી મદદ મળે છે.

ઓટ્સ: ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં સોડિયમ ઓછું હોય છે. તે શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે બ્લડ પ્રેશરને પણ સ્થિર રાખે છે. સવારના નાસ્તામાં ઓટ્સ લેવા એ હૃદય માટે બેસ્ટ ઓપ્શન છે.

લસણ: લસણ રસોઈનો સ્વાદ વધારવાની સાથે સાથે લસણની મેડિકલ વેલ્યુ પણ હોય છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે, જે શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડના ઉત્પાદનને વધારે છે. તે રક્તવાહિનીઓને આરામ આપે છે અને લોહીના પ્રવાહને સરળ બનાવે છે, જેનાથી હાઈ બીપીમાં રાહત મળે છે.

ખાટા ફળો: હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં લાવવા માટે ડાયેટમાં ખાટા ફળોનો સમાવેશ પણ કરવો જોઈએ. લીંબુ, સંતરા અને મોસંબી જેવા ખાટાં ફળો વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ ફળો હૃદયને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!