ડેન્ગ્યૂના વધતા કેસ સામે સાવધ રહો, અપનાવી શકો આ Safety Tips
દેશમાં કોરોના મહામારી પછી કોરોના સિવાય અન્ય બીમારીનું પણ જોખમ વધ્યું છે. શરદી, તાવ સહિત ઉધરસ સિવાય અન્ય નાની મોટી બીમારી બાબતે લોકો ધ્યાન નહીં આપતા અન્ય મોટી બીમારીના પણ ભોગ બની રહ્યા છે ત્યારે એની વચ્ચે ડેન્ગ્યૂના વધતા કેસને લઈ સતર્ક રહેવાની સાથે જરુરી ઉપાય પણ અજમાવવા જરુરી છે. આ વર્ષે ભારે ચોમાસા પછી પણ વરસાદજન્ય બીમારીના કેસમાં વધારો થયો છે, ત્યારે ખાસ કરીને મચ્છરોથી દૂર રહેવા સાથે અન્ય બાબતોનું ધ્યાન રાખવાનું જરુરી છે. ડેન્ગ્યૂ તાવ, એડીસ એજિપ્ટી મચ્છરને કારણે થનારી મચ્છરથી થનારી બીમારી છે. જો સમયસર તેની સારવાર કરવામાં આવે નહીં તો ગંભીર બીમારીનું જોખમ ઊભું થઈ શકે છે, તેથી સમયસર સારવાર કરવાનું જરુરી હોવાનું સરકારે પણ જણાવ્યું છે.
દેશમાં વર્ષે 30 ટકા કેસમાં વધારો
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર દેશમાં દરવર્ષે ડેન્ગ્યૂના કેસમાં 30 ટકા વધારો થાય છે. ડેન્ગ્યૂની શરુઆત માથામાં ગંભીર દુખાવો થાય છે. આંખોમાં દુખાવા સાથે માંસપેશીઓમાં પણ પીડા રહે છે. અમુક કિસ્સામાં તો પ્લાઝ્મા લીક થવાની સાથે શ્વાસ લેવામાં તકલીફ પણ થતી હોય છે. ગંભીર રક્તસ્ત્રાવ સહિત અન્ય બાબતમાં સંક્રમણ થવાનું જોખમ થાય છે. અમુક દર્દીઓને પેટમાં દુખાવો, ઉલ્ટી આવવી, પેઢામાંથી લોહી આવવા કે થાક લાગવાની સાથે બેચેની તેમ જ લીવરમાં દુખાવો વગેરે લક્ષણો હોય તો ચેતી જવાનું જરુરી રહે છે.
ઘરમાંથી પહેલા ભગાડો મચ્છરોને…
મચ્છરજન્ય રોગ હોવાથી સૌથી પહેલા તો તમારા ઘરમાંથી મચ્છરોને ભગાડો. તમારા બેડરુમ હોય કે કિચન કે જે રુમમાં તમે વધુ વપરાશ કરતા હોય ત્યાંથી મચ્છરોને ભગાડવા માટે જરુરી દવા યા ગૂડ નાઈટ પ્રકારની વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો. મચ્છરને મારવા રેકેટનો પણ વાપરી શકો છો, જે સૌથી સરળ ઉપાય છે.
સવારે-સાંજે એક્ટિવ હોય છે મચ્છર
મચ્છરોને ભગાડવા માટે ખાસ કરીને સવાર અને સાંજના સમયે વધુ ધ્યાન આપો એ જરુરી છે. સવારે-સાંજે મચ્છરો વધુ સક્રિય હોય છે, તેથી આ સમયે ઈલેક્ટ્રિક રેકેટ વાપરી શકો છો. શક્ય હોય તો મચ્છર કરડે નહીં તેના માટે શરીર ઢાંકેલું રાખો. સૂતી વખતે પણ ખાસ કરીને લોંગ પેન્ટ, મોજા પહેરી રાખો. હળવા રંગના કપડા પહેરવાનું રાખો, કારણ કે ડાર્ક કલરના કપડાં પર મચ્છર વધુ બેસે છે, તેથી ડાર્ક કલરના કપડાં પણ ઘરમાં લટકાવી રાખશો નહીં.
ડોક્ટરની પહેલી સલાહ લેવાનું જરુરી
ડેન્ગ્યૂ એક ગંભીર ઈન્ફ્કે્શન છે, તેથી ઘરેલું ઉપાયો અજમાવવાની સાથે ડોક્ટરની સલાહ લેવાનું જરુરી રહે છે. હાડકામાં જોરદાર દુખાવા સાથે તાવ આવી શકે છે, તેથી તકેદારી રાખવી જરુરી રહે છે. જરુર જણાય તો બ્લડ ટેસ્ટ કરવાનું પણ આવશ્યક રહે છે. સમયસર સારવાર નહીં કરો તો મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. એવું પણ નથી કે એક વખત થયા પછી બીજી વખત થાય નહીં એવું પણ માનશો નહીં.