ટેક્નિકલ ખામી કે માનવીય ભૂલ એવિયેશન સેક્ટરની સુરક્ષા પર ગંભીર સવાલ?
વિશ્વભરમાં પ્લેન અકસ્માતના વધતા કેસ વચ્ચે ટેક્નિકલ ખામી, પાઈલટની ભૂલ અને પૂરતી સુરક્ષા વ્યવસ્થાના અભાવે ઊભા થયા પ્રશ્નો
અમેરિકા, રશિયા, ચીન હોય કે ભારત પણ દુનિયામાં એવિયેશન ટ્રાફિકમાં જેટલો વધારો થઈ રહ્યો છે એની સરખામણીએ દુનિયામાં પ્લેન અકસ્માતના કેસમાં વધારો થઈ રહ્યો છે, જે ચિંતાનું કારણ છે. ભારતમાં અમદાવાદમાં લંડન જઈ રહેલું પ્લેન ક્રેશ થયું, જેમાં સેંકડો લોકોના મોત થયા હતા, તેનાથી સમગ્ર સિસ્ટમ અને સેક્ટર પરની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. એના પછી રફતારમાં ઘટાડો થયો નથી, પરંતુ રોજેરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. ડોમેસ્ટિક જ નહીં, ઈન્ટરનેશનલ કક્ષાએ અકસ્માત વધી રહ્યા છે કે ટાળવામાં આવી રહ્યા છે, પરંતુ ચોંકાવનારા ડેટા કહે છે કે વિમાન સંબંધિત દુર્ઘટનામાં 70-80 ટકા માનવીય ભૂલ જવાબદાર હોય છે, જે વાતને આંખ આડા કાન કરી શકાય નહીં, કેમ તો જાણીએ.
મેઈન્ટેનન્સમાં બેદરકારી, રોંગ મેસેજ/કમ્યુનિકેશન
માનવીય ભૂલો સિવાય અકસ્માત માટે ટેક્નિકલ ખામી, ખરાબ હવામાન અને વિમાનના પુઅર મેઈન્ટેનન્સના પરિબળો પણ જવાબદાર છે. માનવીય ભૂલોમાં પાઈલટ, એર ટ્રાફિક કંટ્રોલ અથવા મેઈન્ટેનન્સમાં બેદરકારીના કારણો પર કળશ ઢોળવામાં આવી રહ્યો છે. એનાથી વિશેષ કર્મચારી પર કામનો ઓવરલોડ, ક્યારેક રોંગ મેસેજનો નિર્ણય, કોમ્યુનિકેશન ગેપ વગેરે પણ અકસ્માતના મુખ્ય કારણનો સમાવેશ થાય છે.

વિમાન દુર્ઘટનામાં માનવીય ભૂલના મહત્ત્વના કારણો
ફ્લાઈટ લેન્ડિંગ અને ઉડાન માટેના પરિબળોમાં ખરાબ હવામાનના પૂર્વાનુમાન કરવાનું પરિબળ મહત્ત્વનું છે. જો એના અંગે કોઈ નક્કર માહિતી મળે નહીં તો મોટી મુશ્કેલીમાં મૂકાઈ શકે છે અને અકસ્માત થઈ શકે છે. ક્યારેક ઈન્સ્ટ્રુમેન્ટ ફ્લાઈટ રુલ્સ (આઈએફઆર) અન્વયે પાઈલટ્સ ખાસ કરીને ઉડાન ભરતી વખતે દિશાહિન થવાના ચાન્સ રહે છે, તેનાથી વિમાન અટકવાનું કે પછી ગૂમ પણ થઈ શકે છે, જેનાથી મેજર અકસ્માત થઈ શકે. પાઈલટને એના સંબંધમાં જરુરી જ્ઞાન અને જોખમો અંગે માહિતગાર કરવાનું જરુરી બને છે.
ટેક્નિકલ ખામીના કારણોની અવગણના કરાય નહીં
વિમાન હોય કે રનવે પરની ટેક્નિકલ ખામીના કારણોમાં વિમાનનું એન્જિન, ઉડ્ડ્યન પ્રણાલી સહિત અન્ય પરિબળો જવાબદાર છે. હવામાનની વાત કરીએ તો ભારે વરસાદ, વંટોળ-ચક્રવાત સહિત ખરાબ હવામાનમાં ફ્લાઈટની ઉડાન યા ઉતરાણને કારણે મેજર અકસ્માતો થાય છે. ઉપરાંત, એરપોર્ટ પર ફ્લાઈટના લેન્ડિંગમાં સુવિધા હોય નહીં, જ્યારે વિમાનમાં આગ લાગવા સહિત ટેઈલ કે ટાયર બર્સ્ટ થવાનું વધ્યું છે, જે મેઈન્ટેનન્સ પર નિર્ભર રહે છે.

વિમાન અને એરપોર્ટની ડિઝાઈન સેફ્ટી ફ્રેન્ડલી જરુરી
હવે એરપોર્ટના લોકેશન માટે જરુરી માપદંડો નક્કી કરવા જરુરી બની રહે છે. અમદાવાદ જેવા મહાનગરમાં એરપોર્ટ પરિસરની આસપાસ બર્ડહીટના જોખમો સહિત અન્ય બાબતને કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું હોવાનું કહેવાય છે, તેથી એરપોર્ટ પર સેફ્ટી-ફ્રેન્ડલી હોય એનો સર્વે થવો જોઈએ અને નિરાકરણ પણ. એરપોર્ટ સિવાય વિમાનની ડિઝાઈન અલગ અલગ પ્રકારની હોય છે. વિમાનમાં અલગ અલગ પ્રકારના એન્જિન, પ્રોપલર, પંખા અને કોકપિટ હોય છે, જેમાં અમુકની ડિઝાઈન પણ બરાબર હોતી નથી, જ્યારે તેના ઉપયોગમાં લેતા પૂર્વે પણ સેફ્ટી પ્રિકોશન ધ્યાનમાં રાખવા જોઈએ.
વિમાન માટે જીપીએસ સિસ્ટમ હોવી જોઈએ
જીપીએસ વિમાન માટે પ્રાથમિક નેવિગેશન સિસ્ટમ છે. દરેક વિમાન જીપીએસ સિસ્ટમથી સજ્જ હોય છે. જીપીએસને વિમાનને ઓટોપાઈલટ દિશા અને ઉંચાઈ દર્શાવવા માટે પ્રોગ્રામ કરી શકાય છે, જેથી પાઈલટને પૂરી ઉડાન દરમિયાન વિમાન હાથથી ઉડાવવું પડે નહીં. જો જીપીએસ સિસ્ટમ યોગ્ય હોય નહીં તો પણ પાઈલટ માટે મુશ્કેલી નોતરી શકે છે. જીપીએસનો ઉપયોગ આઈએફઆર સ્થિતિમાં કરી શકાય છે, જેથી પાઈલટને એ જાણકારી મળી શકે છે, જે એરપોર્ટ પર વાદળો હોય તો વિમાનને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવી શકે છે.

આ વર્ષના દુનિયાના સૌથી મોટા પ્લેન ક્રેશના કેસ
ગયા વર્ષે 29 ડિસેમ્બરમાં જેજુ એરનું વિમાન દક્ષિણ કોરિયાના એરપોર્ટ પર ક્રેશ થયું, જેમાં 179 લોકો માર્યા ગયા, જ્યારે બે પાઈલટ બચ્યા હતા. વિમાન રનવે પર બેલી લેન્ડિંગ (પૈડા ખોલ્યા વિના) કર્યું હતું અને સ્કિડ થતા કોક્રિંટની દીવાલ પર ટકરાયું અને અકસ્માત થયો હતો. તપાસ રિપોર્ટમાં બર્ડહીટ થયું હતુ, પરંતુ પાઈલટે લેન્ડિંગ પૂર્વે એન્જિન બંધ કર્યું હતું.
આ વર્ષના સૌથી મોટા અકસ્માતની વાત કરીએ તો જાન્યુઆરીમાં બુસાનથી હોંગકોંગની ફ્લાઈટમાં આગ લાગ્યા પછી 176 પ્રવાસીને બચાવ્યા હતા, જ્યારે ફેબ્રુઆરીમાં ડેલ્ટા કનેક્શન ફ્લાઈટ 4819 બોમ્બાર્ડિયર સીઆરજે-900 ટોરન્ટો પીઅર્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ક્રેશ થયું અને ચાર ક્રૂ મેમ્બર સહિત 76 પ્રવાસી બચ્યા હતા. માર્ચ-એપ્રિલમાં પણ આવા જ અકસ્માતો થયા હતા. જૂનમાં અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 241 લોકો માર્યા ગયા, જ્યારે જુલાઈમાં બાંગ્લાદેશમાં પ્લેન ક્રેશમાં 31 લોકોનાં મોત થયા હતા, જ્યારે ગુરુવારે ચીનની બોર્ડરમાં રશિયન પ્લેન ક્રેશ થતા પચાસ લોકોનાં મોત થયા હતા.
ટૂંકમાં, હવાઈ ક્ષેત્રના પરિવહનના અન્ય મુખ્ય માધ્યમો સાથે આની તુલના કરો – દર ૧૦ કરોડ માઇલની મુસાફરીમાં ૦.૦૪ મૃત્યુ સાથે, રેલ મુસાફરી હવાઈ મુસાફરી કરતાં ઘણી વધુ ખતરનાક છે, જ્યાં દર ૧૦ કરોડ માઇલમાં ૦.૦૧ મૃત્યુ થાય છે. છેલ્લે એટલું કહી શકાય કે જોકે, હવાઈ મુસાફરી એટલી જ સલામત છે જેટલી ઉડાન માટે જરૂરી ઓપરેટર, સાધનો અને તાલીમ પ્રક્રિયાઓ. કડક ઉડ્ડયન સલામતી તાલીમ અને નિયંત્રણો વિના, ખાનગી અને વ્યવસાયિક પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી અસુરક્ષિત છે.
