પચાસથી વધુ પૂર્વ સાંસદને સરકારી બંગલા ખાલી કરવાની આપી નોટિસ
ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયેલા ભર્તુહરી મહતાબની પ્રોટેમ સ્પીકર તરીકે નિમણૂક
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી હવે નવા સંસદીય સત્રનો વિધિવત રીતે પ્રારંભ થશે. જૂના સાંસદોની વિદાય સાથે નવા ચૂંટાયેલા સાંસદોનું પણ લિસ્ટ લાંબુ છે, જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. સરકારી નિયમો અનુસાર જ્યારે સાંસદો ચૂંટણી હારી જાય છે ત્યારે તેમને એક મહિનામાં સરકારી બંગલો કરવાનો રહે છે. આ વખતની ચૂંટણીમાં હારેલા કેન્દ્રીય પ્રધાન સહિત લગભગ 50 પૂર્વ અગિયારમી જુલાઈ સુધીમાં પાટનગર દિલ્હી સ્થિત સરકારી બંગલાને ખાલી કરવા પડશે. તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં નવા ચૂંટાયેલા સાંસદોને પણ બંગલા ફાળવવા પડશે, જે પ્રક્રિયા બેથી ત્રણ અઠવાડિયામાં પૂરી થશે.
17મી લોકસભામાં ચૂંટાયેલા સાંસદ ફરી ચૂંટણી જીતી શક્યા નથી, જેમાં ઉત્તર પ્રદેશના છ સાંસદનો સમાવેશ થાય છે. મહેન્દ્રનાથ પાંડેય, સ્મૃતિ ઈરાની, સંજીવ બાલિયાન, ભાનુપ્રતાપ વર્મા, અજય મિશ્રા ટેની, કૌશલ કિશોર, સાધ્વી નિરંજ જ્યોતિનો સમાવેશ થાય છે.
સરકારી નિયમો અનુસાર જ્યારે સાંસદો ચૂંટણી હારી જાય છે ત્યારે તેમની પાસે ન તો કોઈ મંત્રાલય રહે છે કે સાંસદપદ, તેથી એક મહિનામાં બંગલો ખાલી કરવાનો રહે છે. ચૂંટણી હાર્યા પછી કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય તરફથી બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવે છે અને ઝડપી બંગલો કરવાની તાકીદ કરાય છે.
સરકારી નોટિસમાં જણાવ્યું છે કે પૂર્વ સાંસદોને એક મહિનામાં બંગલો ખાલી કરવો પડશે, જેમાં પૂર્વ સાંસદોને પાંચ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાનોને અગિયાર જુલાઈ સુધીની મુદત આપી છે. આ નેતાઓમાં ભારતી પવારનો પણ સમાવેશ થાય છે.
અહીં એ જણાવવાનું કે 18મી લોકસભા ચૂંટણીનું પહેલું સત્ર 24મી જૂનથી શરુ થશે. નવનિયુક્ત સભ્ય 24-25ના શપથ લેશે અને 26મી જૂનના લોકસભાના સ્પીકરની ચૂંટણી થશે. આ અગાઉ સાત વખત સાંસદ રહી ચૂકેલા ભર્તુહરી મહતાબને લોકસભાના હંગામી સ્પીકરપદે વરણી કરવામાં આવી છે. મહતાબને લોકસભાના સ્પીકરની ચૂંટણી થાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે મહતાબ બીજુ જનતા દળ છોડીને ભાજપમાં જોડાયા હતા. આ પ્રોટેમ સ્પીકરની સમક્ષ નવનિયુક્ત સભ્ય તરીકે શપથ લેશે. આ હંગામી લોકસભાના સ્પીકર પીઠાસીન અધિકારીઓની એક પેનલમાં કોંગ્રેસ નેતા કે. સુરેશ, દ્રમુક નેતા ટી. આર. બાલુ, ભાજપના રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને તૃણમુલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયનો સમાવેશ થાય છે.