ગુરુવારે હળદરના આ ચમત્કારિક ઉપાયો ચમકાવશે તમારું ભાગ્ય: આર્થિક તંગી દૂર થશે અને છલકાશે તિજોરી
શાસ્ત્રોમાં અઠવાડિયાના સાતે સાતે વાર કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે. જેમ કે સોમવારનો દિવસ ભગવાન શિવજી માટે તો મંગળવાર દુંદાળા દેવ ગણેશજીને સમર્પિત છે. આ જ અનુસંધાનમાં ગુરુવારનો દિવસ વિશેષ કરીને ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીજીની પૂજા માટે ઉત્તમ માનવામાં આવે છે. ગુરુવારને દિવસે ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આજે અમે તમને અહીં આવા જ કેટલાય ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની કૃ઼પા પ્રાપ્ત કરી શકશો…
જ્યોતિષશાસ્ત્રમાં હળદરને અત્યંત પવિત્ર અને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમે પણ જીવનમાં આર્થિક કે કરિયરને લગતી સમસ્યાઓથી પરેશાન હોવ, તો દર ગુરુવારે ભૂલ્યા વિના અચૂક હળદરના આ ઉપાયો કરીને સમસ્યામાંથી રાહત મળે છે. ચાલો જોઈએ કયા છે આ ઉપાયો-
કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત કરવાઃ જો તમારી કુંડળીમાં ગુરુ નબળો હોય તો કાર્યોમાં અવરોધ આવે છે. આ સ્થિતિમાં ગુરુવારના દિવસે હળદરનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી ગુરુ દોષ દૂર થાય છે અને ભાગ્ય સાથ આપવા લાગે છે.
આર્થિક સંકટ દૂર કરવાઃ જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ, તો ગુરુવારે એક લાલ કપડામાં હળદરની પાંચ ગાંઠ બાંધીને તમારી તિજોરી કે જ્યાં પૈસા રાખતા હોવ ત્યાં મૂકી દો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરમાં ધનનું આગમન થાય છે.
વેપારમાં પ્રગતિ માટેઃ વેપાર કે બિઝનેસમાં નુકસાન થઈ રહ્યું હોય તો હળદર અને કેસરનું મિશ્રણ બનાવી તમારી તિજોરી કે દુકાનના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવો. આ રીતે પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને વેપારમાં વૃદ્ધિ થાય છે.
કરિયરમાં સફળતા મેળવવાઃ જો મહેનત કરવા છતાં નોકરી કે કરિયરમાં સફળતા ન મળતી હોય, તો ગુરુવારે નાહવાના પાણીમાં ચપટી હળદર મિક્સ કરીને સ્નાન કરો. આનાથી શારીરિક અને માનસિક શુદ્ધિ થાય છે અને કરિયરમાં આવતા અવરોધો દૂર થાય છે.
દરેક કાર્યમાં વિજય મેળવવાઃ કોઈ મહત્વના કામ માટે બહાર જતી વખતે ભગવાન વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરો. ગણેશજીને હળદરનું તિલક લગાવો અને તેમાંથી જ થોડી હળદર લઈ પોતાના કપાળ પર તિલક કરો. ભગવાન ગણેશ તમારા તમામ વિઘ્નો હરી લેશે અને તમને કાર્યમાં ચોક્કસ સફળતા મળશે.
