વિધાનસભા ચૂંટણીઃ શિંદેની શિવેસના અને મનસે જાહેર કરી 45 ઉમેદવારની યાદી, શિંદે ક્યાંથી લડશે ચૂંટણી જાણો?
મુંબઈ: રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધન પાર્ટી મહા વિકાસ આઘાડી (MVA) અને મહાયુતી એ સીટ ફાળવણી કરવામાં એકમત હોવાના અહેવાલ વચ્ચે રાજ્યમાં એકનાથ શિંદેની શિવસેનાએ 45 ઉમેદવારની યાદી બહાર પાડી, જેમાં ખુદ એકનાથ શિંદેના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. એકનાથ શિંદેની શિવસેના સાથે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ 45 ઉમેદવારની જાહેરાત કરી છે.
એકનાથ શિંદેની શિવસેનાએ 45 ઉમેદવારના નામની જાહેરાત કરી છે, જેમાં શિંદે ખૂદ કોપરી પાચપાખડી સીટ પર લડશે.
મહાયુતિમાં ભાજપ જ મોટો ભાઈ, 150થી વધુ બેઠક પર લડશે
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીની સીટ શેરિંગ લગભગ નક્કી કરી છે. ભાજપ 152થી વધુ બેઠક પર ચૂંટણી લડી શકે છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેના 70થી વધુ સીટ તથા અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બાવનથી વધુ સીટ પર લડી શકે છે. બીજી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડીમાં ડ્રાઈવિંગ સીટ પર આ વખતે કોંગ્રેસ જોવા મળી શકે છે.
એકનાથ શિંદેની શિવસેનાએ માહિમની સીટ પરથી સદાનંદ શંકર સરવણકરને ટિકિટ આપી છે, જ્યારે અહીંની સીટ પર રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરે મેદાનમાં હશે. જોગેશ્વરી પૂર્વની સીટ પરથી સાંસદ રવીન્દ્ર વાયકરની પત્ની મનીષા વાયકર, ચાંદિવલીથી દિલીપ લાંડે, કુર્લાથી મંગેશ અનંત કુડાળકર, માહિમથી સદાનંદ શંકર સરવણકર, ભાયખલાથી યામિની જાધવ અને કર્જતથી મહેન્દ્ર થોરવેને ટિકિટ આપી છે. આ ઉપરાંત, રામટેકની સીટ પરથી આશીષ જયસ્વાલ, ભંડારાથી નરેન્દ્ર ભોંડેકર, વૈજાપુરથી રમેશ બોરનારે, ઉમરગાથી જ્ઞાનરાજ ચૌગુલેને ટિકિટ આપી છે.
રાજ ઠાકરે નહીં, દીકરો અમિત ઠાકરે માહિમથી લડશે
રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એટલે મનસે) ચૂંટણીમાં લડશે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 99 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં પછી વંચિત બહુજન આઘાડી (VBA)એ એ પોતાના ઉમેદવાર જાહેર કર્યા પછી હવે મનસેએ 45 ઉમેદવારને ટિકિટ આપી છે. મુંબઈ સહિત રાજ્યમાં અનેક સીટ પર ઉમેદવાર જાહેરાત કરતા હાલમાં મનસે ચૂંટણી લડીને મહાગઠબંધનોનો મત તોડી શકે છે.
કલ્યાણમાં રાજુ પાટીલ તો થાણેમાં અવિનાશ જાધવને મળી ટિકિટ
મનસેએ જાહેર કરેલી યાદીમાં મનસેના સ્થાપક અને પ્રમુખ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેને માહિમ, વર્લીથી સંદીપ દેશપાંડે અને પુણેના હડપસરથી સાંઈનાથ બાબરના નામની જાહેરાત કરી છે. આ ઉપરાંત, અન્ય મહત્વની બેઠક પરથી થાણેમાંથી અવિનાશ જાધવ, કલ્યાણમાંથી રાજુ પાટીલ તેમ જ કોથરૂડથી કિશોર શિંદેને ટિકિટ આપવામાં આવી છે. મનસે એ પહેલી યાદી જાહેર કરવાની સાથે હવે મહાયુતિ યા અન્ય પાર્ટી સાથે રહીને ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ મુકાયું છે. આ અગાઉ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની મહાયુતીને બહારથી ટેકો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં અન્ય બેઠક પરથી મનસેએ ખડકાવસલા મયુરેશ વાંજળે, બોરીવલીમાંથી કુણાલ માઈનકર, વર્સોવા સંદેશ દેસાઈ, વીરેન્દ્ર જાધવને ગોરેગાંવથી ટિકિટ આપવામાં આવી છે. મહેશ ફરકાસેને કાંદિવલી પૂર્વથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. દરમિયાન, ગણેશ ચુકકલને ઘાટકોપર પશ્ચિમથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.