July 1, 2025
ટોપ ન્યુઝમહારાષ્ટ્રમુંબઈ

વિધાનસભાની ચૂંટણી: જાણો મુસ્લિમ મતદારોનું કઈ બેઠકો પર છે વધુ પ્રભુત્વ?

Spread the love

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મહત્તમ ફાયદો થયો હતો, જ્યારે તેની તુલનામાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને નુકસાન થયું હતું. લોકસભામાં ભાજપની આગેવાનીમાં એનડીએ સરકાર બનાવી, પણ મહારાષ્ટ્રમાં ભાજપના થયેલા ફટકાની ભરપાઈ આ વખતે કઈ રીતે થશે એ જોવાનું રહેશે.
મરાઠી, મરાઠા અને મનસે
ઓછી સીટ મળવા માટે એક કરતા અનેક કારણો હોઈ શકે છે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એમ ફેક્ટર છે. એક એમ ફેક્ટરમાં મહા વિકાસ આઘાડી (એમવીએ)ની એકતા કારણભૂત હતી, જ્યારે બીજું ફેક્ટર મુસ્લિમ મતદારોનું પણ હતું. ત્રીજું ફેક્ટર મરાઠી વોટરનો છે, પરંતુ મરાઠી મતદારો પણ અસમંજસમાં છે, કારણ કે આ વખતે બે મોટી પાર્ટીનું વિભાજન થયું છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને એકનાથ શિંદેની (શિવસેના) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજા ફેક્ટરમાં બીજી અન્ય નાની પાર્ટી પણ માથું ઉચકી રહી છે, જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. મુસ્લિમ મતદારો પણ આ વખતના ઈલેક્શનમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આ ઉપરાંત, વખતની ચૂંટણીમાં મરાઠા મતદારો પણ મહત્ત્વનો ભાગ ભજવીને મતદાન કરીને ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે.
છેલ્લી ચૂંટણીમાં 10 મુસ્લિમ નેતા ચૂંટાયા
છેલ્લી ચૂંટણીમાં 10 મુસ્લિમ વિધાનસભ્યમાં બે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ, ત્રણ કોંગ્રેસ, એક અવિભાજિત શિવસેના, બે સમાજવાદી પાર્ટી અને અવિભાજિત પાર્ટી એનસીપીમાંથી ચૂંટાયા હતા, જેમાં શાહ ફારુક અનવર (એઆઈએમઆઈએમ), અબ્દુલ સત્તાર (શિવસેના), મહોમ્મદ ઈસ્માઈલ (AIMIM), રઈસ શેખ (સમાજવાદી પાર્ટી), અસલમ શેખ (કોંગ્રેસ), અબુ આઝમી (સમાજવાદી પાર્ટી), નવાબ મલિક (એનસીપી), ઝિશાન સિદ્દીકી (કોંગ્રેસ), અમીન પટેલ (કોંગ્રેસ) અને હસન મુશરિફ (એનસીપી)નો સમાવેશ થાય છે.
અમુક સીટ પર મુસ્લિમ મતદારોની મહત્ત્વની ભૂમિકા
વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતદારો પણ પહેલાની તુલનામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે, જેમ કે માલેગાંવ સેન્ટ્રલ, માનખુર્દ શિવાજી નગર, ભિવંડી ઈસ્ટ, મુંબાદેવી, ભિવંડી વેસ્ટ, અમરાવતી, મુમ્બ્રા, કલવા, અકોલા વેસ્ટ, ભાયખલા, ઔરંગાબાદ સેન્ટ્રલ, ઔરંગાબાદ પશ્ચિમ, વર્સોવા, ધારાવી, બાંદ્રા ઈસ્ટ અને કુર્લામાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધારે છે. અહીંયા મુસ્લિમ મતદારોની સંખ્યા પચાસ ટકાથી વધારે છે.
માલેગાંવ સેન્ટ્રલની વાત કરીએ તો મુસ્લિમ મતદારોની સંખ્યા 78.4 ટકા છે, જેની ચૂંટણી પર અસર પડે છે. 1978થી 2019 સુધી ચૂંટણીમાં મુસ્લિમ નેતા જીત્યા છે. 2009થી માનખુર્દ શિવાજીનગરથી અબુ આઝમી જીતતા આવ્યા છે, જ્યાં મુસ્લિમોની સંખ્યા 53 ટકા છે. ભિવંડી ઈસ્ટમાં 51 ટકા મુસ્લિમ મતદારો છે, જ્યાં સમાજવાદી પાર્ટીના રઈસ શેખ વિધાનસભ્ય છે, જ્યારે મુંબા દેવીમાં 50.9 ટકા મતદારો મુસ્લિમ છે, જ્યાંથી કોંગ્રેસના અમીન પટેલ વિધાનસભ્ય છે.
કઈ પાર્ટીએ કેટલા મુસ્લિમ ઉમેદવારને આપી ટિકિટ
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિમાંથી ભાજપે એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. સાથી પક્ષ એકનાથ શિંદેની શિવસેનાએ એક અને અજિત પવારની એનસીપીએ ચાર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. બીજી બાજુ મહાવિકાસ આઘાડી (એમવીએ)માં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મુસ્લિમને ટિકિટ આપી નથી, જ્યારે કોંગ્રેસે આઠ ઉમેદવારને ટિકિટ આપી છે. શરદ પવારની એનસીપીએ સ્વરા ભાસ્કરના પતિ ફહદ અહેમદ અને સમાજવાદી પાર્ટીએ અબુ આઝમીને ટિકિટ આપી છે. એઆઈએમઆઈએમે 14 ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જેમાં 10 મુસ્લિમ નેતાઓને ટિકિટ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!