અરુણાચલ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે આવશે, જાણો કેમ?
અરુણાચલ પ્રદેશમાં ભાજપને બહુમત, સિક્કિમમાં ભાજપ-કોંગ્રેસ ખાતું ખોલ્યું નથી…
ઇટાનગરઃ લોકસભાની ચૂંટણી અંગે શનિવારે એક્ઝિટ પોલના સર્વેક્ષણો જાહેર કરવામાં આવ્યા અને હવે ચોથી જૂનના લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે. જોકે, એના પહેલા આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાનું પરિણામ આવશે. અત્યારે મતગણતરી શરુ કરવામાં આવી છે, પરંતુ દેશ આખામાં રિઝલ્ટ ચોથી જૂને આવશે તો આજે શા માટે આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે, કારણ શું? જો તમારા મનમાં સવાલ હોય તો જણાવી દઈએ.
લોકસભા ચૂંટણીની મતગણતરી ચોથી તારીખ થશે, જ્યારે બે રાજ્ય (અરુણાચલ-સિક્કિમ) વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે સવારે છ વાગ્યાથી થઈ છે. બપોર સુધીમાં ચિત્ર ક્લિયર થઈ શકે છે. વિધાનસભાની ચૂંટણીના શરુઆતી મતગણતરીમાં અરુણાચલમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વન સાઈડેડ આગળ છે. અરુણાચલ પ્રદેશમાં 60 સીટમાંથી ભાજપ સત્તા બનાવવા માટે 31ના આંકડાને પાર કરી શકે છે. આ અગાઉ 10 સીટ પર તો ભાજપ બિનહરીફ ચૂંટણીમાં વિજય મેળવી ચૂકી છે.
આ વખતે ફરી ભાજપના પેમા ખાંડુના નેતૃત્વમાં અરુણાચલ પ્રદેશમાં સરકાર બનાવી શકે છે. અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કૂલ 143 ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં 95 ટકા 135 પુરુષ ઉમેદવાર છે, જ્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ પાંચ ટકા છે. સાત મહિલા ઉમેદવાર મેદાનમાં છે. 19 એપ્રિલના ચૂંટણી યોજવામાં આવી હતી. 2019માં 184માંથી 11 મહિલા ઉમેદવાર મેદાનમાં હતી.
બીજી બાજુ પડોશી રાજ્ય સિક્કિમમાં 32 સીટમાંથી સિક્કિમ ક્રાંતિકારી મોરચાને બહુમતી મળી શકે છે. શરુઆતની મતગણતરીથી એસકેએમને જોરદાર ફાયદો થઈ રહ્યો છે. સિક્કિમમાં રાષ્ટ્રીય પક્ષમાં ભાજપ, કોંગ્રેસનો પ્રભાવ ઓછો છે, જ્યારે સિક્કિમ ક્રાંતિકારી મોરચા (એસકેએમ)ના પ્રેમસિંહ તમાગ મુખ્ય પ્રધાન છે, જે ફરી સત્તામાં આવી શકે છે.
રહી વાત મતગણતરીની તો આજે બંને વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય છે. આ સંજોગોમાં નવી એસેમ્બલીના ગઠન માટે આજે પરિણામ જરુરી હતા. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યાનુસાર બપોર સુધીમાં બંને રાજ્યના પરિણામો જાહેર કરવામાં આવશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ, સિક્કિમની લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, ઓડિશા વિધાનસભાની ચૂંટણી તેમ જ પેટા ચૂંટણીની મત ગણતરી ચોથી જૂનના સવારના આઠ વાગ્યાથી શરુ થશે.
