Anant Ambani Wedding: સદીના સૌથી ભવ્ય લગ્ન સંપન્ન, પણ સૌથી મોંઘા લગ્ન કયા હતા?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવદંપતીને આપ્યા આશીર્વાદ
મુંબઈઃ દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિક મર્ચંટના લગ્ન હજારો વીવીઆઈપી મહેમાનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયા. કરોડો રુપિયાના ખર્ચે કરવામાં આવેલા લગ્નને લોકો એટલિસ્ટ આ સદીમાં યાદ રાખશે. શુક્રવારે લગ્ન થયા પછી શનિવારે આશીર્વાદ સેરેમનીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહીને બંને નવદંપતીને શુભાશીષ આપ્યા હતા.
બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) સ્થિત જીયો સેન્ટરમાં પરંપરાગત રીતે અંબાણી પરિવારે શુક્રવારે અનંત-રાધિકાના હોંશેહોંશે લગ્ન કરાવ્યા, જેમાં બોલીવુડના દિગ્ગજ કલાકારો, ફેશન ડિઝાઈનર, રાજકારણીઓ સાથે આધ્યાત્મિક ગુરુઓ હાજર રહ્યા હતા. રાધિકા મર્ચંટ અને અનંત અંબાણીના લગ્ન પછી ત્રણ ફંક્શન રાખવામાં આવ્યા હતા. શનિવારે શુભ આશીર્વાદ સેરેમની રાખી હતી. 14 જુલાઈના મંગલ ઉત્સવ અને પંદરમી જુલાઈના રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. શનિવારની સેરેમનીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. સેરેમનીમાં હાજર મહેમાનોએ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.
Grand Ambani wedding pm Modi sir is giving blessings #AmbaniFamilyWedding pic.twitter.com/qmt3bvi3JQ
— Dr Gautam Bhansali (@bhansaligautam1) July 13, 2024
મોદીને ગેટ પર લેવા માટે મુકેશ અંબાણી પહોંચ્યા હતા, ત્યારબાદ તેમની સાથે નીતા અંબાણી આવીને બંને વરવધૂ પાસે લઈ ગયા હતા. પીએમ મોદીએ બંને દંપતીને આશીર્વાદ આપ્યા એનો વીડિયો પણ વાઈરલ થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંનેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા, ત્યારબાદ બંનેને ગિફ્ટ આપી હતી.
પીએમ મોદી સાથે અન્ય રાજકારણીઓમાં શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ, મમતા બેનરજી, અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, આધ્યાત્મિક ગુરુ ધીરેન્દ્ર શાસ્ત્રી, બાબારામદેવ સહિત અન્ય ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. આશીર્વાદ સેરેમનીમાં બોલીવુડના કલાકારોમાં ઐશ્વર્યા રાય, અમિતાભ બચ્ચન સહિત દિગ્ગજ લોકોએ અનંત-રાધિકાને શુભાશીષ આપ્યા હતા.
આજથી 20 વર્ષ પહેલા સૌથી મોંઘા લગ્ન થયા હતા…
મુંબઈમાં ભારતના અને આ સદીના સૌથી મોંઘા ખર્ચાળ લગ્ન તરીકે અનંત-રાધિકાના લગ્નનું નામ લેવામાં આવે છે, ત્યારે આજથી 20 વર્ષ પહેલા સૌથી મોંઘા થયેલા લગ્નની વાત કરીએ. જેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલની દીકરી વનિષા મિત્તલના લગ્ન 2004માં અમિત ભાટિયા સાથે થયા હતા, જે દુનિયાના સૌથી મોંઘા લગ્ન છે. આ લગ્ન સૌથી મોંઘા માનવામાં આવી રહ્યા છે.
લક્ષ્મી નિવાસ મિત્તલની દીકરીના લગ્ન ફ્રાન્સમાં 55 મિલિયન ડોલર (આજના હિસાબથી લગભગ 450 કરોડ)માં થયા હતા. સ્ટીલ જાયન્ટ લક્ષ્મી નિવાસ મિત્તલની દીકરીના લગ્ન ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અમિત ભાટિયા સાથે થયા હતા. તેમના લગ્નની ઈવેન્ટ છ દિવસ ચાલી હતી. કહેવાય છે કે વનિશા મિત્તલના લગ્નની વિશેષતા એ હતી કે એન્ગેજમેન્ટ સેરેમનીનો કાર્યક્રમ પેલેસ ઓફ વર્લેલ્સમાં યોજવામાં આવ્યો હતો અને પેલેસમાં ફક્ત આ જ એકલી પ્રાઈવેટ ઈવેન્ટ હતી. ભારતીય સ્ટીલ જાયન્ટ લક્ષ્મી નિવાસ મિત્તલ દુનિયાના શ્રીમંત વ્યક્તિઓ પૈકીના એક છે. તેમના બે બાળકો છે, જેમાં એક દીકરી અને બીજો દીકરો. 20 વર્ષ પહેલા લક્ષ્મી નિવાસ મિત્તલે ભલે 55 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો, પરંતુ અંબાણી પરિવારે 320 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે. એટલે પાંચ ગણા વધુ ખર્ચ કર્યો છે.