આજથી મોંઘી થશે ચાની ચૂસકી, Amulએ કર્યો દૂધના ભાવમાં વધારો…
મુંબઈ: મોંઘવારીને કારણે પહેલાંથી જ મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાયેલું છે અને હવે તેમનું બજેટ પૂર્ણપણે ખોરવી નાખતા સમાચાર આવી રહ્યા છે. અમૂલ દૂધના ભાવમાં વધારો (Amul Milk Price Hike) કરવામાં આવ્યો છે.
મળી રહેલી માહિતી અનુસાર મોંઘવારીથી પરેશાન મધ્યમવર્ગીય માણસના ખિસ્સા કપાવવામાં છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારો 3જી જૂનથી એટલે કે સોમવારથી જ માત્ર ગુજરાતમાં નહીં પણ આખા દેશભરમાં લાગુ કરવામાં આવશે, એવું પણ વધુમાં કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેથી ગ્રાહકોએ હવે પ્રતિ લિટર રૂપિયા 2 વધારે ચૂકવવાની તૈયારી રાખવી પડશે. અમૂલ ગોલ્ડ, અમૂલ તાજ અને અમૂલ શક્તિ એમ ત્રણેય પ્રકારનાં દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. અમૂલ દ્વારા આ ભાવવધારો માત્ર ગુજરાત રાજ્ય પૂરતો નહીં પણ આખા દેશ માટે લાગુ કરવામાં આવ્યો છે.
Amul has increased prices of fresh pouch milk (All variants) by Rs 2 per litre, effective from June 3: Gujarat Cooperative Milk Marketing Federation Limited pic.twitter.com/lWsgtv44hx
— ANI (@ANI) June 2, 2024
દૂધના નવા ભાવ વિશે વાત કરીએ તો હવે ગ્રાહકોએ અમૂલ ગોલ્ડ અડધો લિટર દૂધ માટે 32 રૂપિયાને બદલે 33 રૂપિયા, અમૂલ તાજા માટે 26 રૂપિયાને બદલે 27 રૂપિયા અને અમૂલ શક્તિ માટે 29 રૂપિયાને બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલના એક લિટર દૂધની કિંમત હવે 66 રૂપિયા થઈ ગઈ છે, જે ચૂંટણી પહેલાં 64 રૂપિયા જેટલી હતી. દૂધના આ વધેલા ભાવની અસર સર્વ સામાન્ય નાગરિકોમાં માસિક બજેટ પર જોવા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ફેબ્રુઆરી, 2023માં દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
