વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારતમાં સકારાત્મકતાનો અનુભવ કરી શકાયઃ PM Modiએ વર્લ્ડ સમિટમાં કરી મોટી વાત
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે પાટનગરમાં ટીવી ચેનલની વર્લ્ડ સમિટ 2024ને સંબોધતા અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. વડા પ્રધાન મોદીએ છેલ્લા 4-5 વર્ષોને પ્રતિબિંબિત કરતા કહ્યું હતું કે ભવિષ્યની ચિંતાઓ પર ચર્ચા એ એક સામાન્ય વિષય છે. કોવિડ રોગચાળાના તાજેતરના પડકારો, કોવિડ પછીના આર્થિક તણાવ, મોંઘવારી અને બેરોજગારી, જળવાયુ પરિવર્તન, ચાલી રહેલા યુદ્ધો, નિર્દોષોના મૃત્યુ, ભૌગોલિક રાજકીય તણાવ અને સંઘર્ષો તમામ વૈશ્વિક સમિટમાં ચર્ચાનો મુદ્દા બન્યા છે. ત્યારે પીએમ મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક ઉથલપાથલના આ યુગમાં ભારત આશાનું કિરણ બની ગયું છે. જ્યારે વિશ્વ ચિંતિત છે, ત્યારે ભારત આશા ફેલાવી રહ્યું છે. ભલે ભારત વૈશ્વિક પરિસ્થિતિ અને તેની સામેના પડકારોથી પ્રભાવિત હોય, પરંતુ દેશમાં સકારાત્મકતાની ભાવના છે જેનો અનુભવ કરી શકાય છે.
ગરીબો માટે ત્રણ કરોડ પાકા મકાનની મંજૂરી
ભારત દરેક વિભાગ અને ક્ષેત્રમાં અભૂતપૂર્વ ઝડપ સાથે કામ કરી રહ્યું છે. સરકારની ત્રીજી ટર્મના 125 દિવસ પૂર્ણ થયાની નોંધ લેતા મોદીએ દેશમાં થયેલા કાર્યો પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે ગરીબો માટે 3 કરોડ નવા પાકાં મકાનો માટે સરકારની મંજુરી, 9 લાખ કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની શરૂઆત, 15 નવી વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ, 8 નવા એરપોર્ટનો શિલાન્યાસ, યુવાનો માટે 2 લાખ કરોડના પેકેજ આપવા, ખેડૂતોના બેંક ખાતામાં 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર, 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે મફત સારવાર યોજના, લગભગ 5 લાખ ઘરોમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ લગાવવા, એક પેડ મા કે નામ અભિયાન હેઠળ 90 કરોડ રોપાઓનું વાવેતર, 12 નવા ઔદ્યોગિક નોડ્સને મંજૂરી, સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 5-7 ટકાની વૃદ્ધિ અને ભારતનું ફોરેક્સ વધીને 700 બિલિયન અમેરિકી ડોલર થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ છેલ્લા 125 દિવસમાં ભારતમાં થઈ રહેલી વૈશ્વિક ઘટનાઓને પણ સ્પર્શી હતી અને આંતરરાષ્ટ્રીય SMU, ગ્લોબલ ફિનટેક ફેસ્ટિવલ, ગ્લોબલ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ પર ચર્ચા, નવીનીકરણીય ઉર્જા અને નાગરિક ઉડ્ડયન માટે આંતરરાષ્ટ્રીય પરિષદનો ઉલ્લેખ કર્યો હતો. આ માત્ર ઘટનાઓની યાદી નથી, પરંતુ ભારત સાથે સંકળાયેલ આશાઓની સૂચિ છે જે દેશની દિશા અને વિશ્વની આશાઓ દર્શાવે છે.
ભારતના માર્કેટમાં રોકાણ કરવાની સલાહ
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ત્રીજા કાર્યકાળમાં, ભારતની વૃદ્ધિ એટલી હદે ઝડપી બની છે કે ઘણી રેટિંગ એજન્સીઓએ તેમના વિકાસના અનુમાનમાં વધારો કર્યો છે. તેમણે માર્ક મોબિયસ જેવા નિષ્ણાતોના ઉત્સાહ તરફ પણ ધ્યાન દોર્યું હતું, જેમણે વૈશ્વિક ફંડ્સને તેમના ભંડોળના ઓછામાં ઓછા 50 ટકા ભારતના શેર માર્કેટમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે આવા અનુભવી નિષ્ણાતો ભારતમાં મોટા રોકાણની હિમાયત કરે છે, ત્યારે તે અમારી સંભવિતતા વિશે મજબૂત સંદેશ મોકલે છે.
10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર
આજનું ભારત વિકાસશીલ રાષ્ટ્ર અને ઉભરતી શક્તિ બંને છે. ભારત ગરીબીના પડકારોને સમજે છે અને તે જાણે છે કે કેવી રીતે પ્રગતિનો માર્ગ મોકળો કરવો. તેમણે સરકારની ઝડપી ગતિશીલ નીતિ-નિર્માણ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ અને નવા સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આત્મસંતુષ્ટતાના મુદ્દાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે આ માનસિકતા રાષ્ટ્રને આગળ લઈ જઈ શકતી નથી. તેમણે રેખાંકિત કર્યું કે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને 12 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે અને 16 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે, પરંતુ તે પૂરતું નથી. વડા પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે 350થી વધુ મેડિકલ કોલેજો અને 15થી વધુ AIIMSનું નિર્માણ કર્યું છે, 1.5 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સની સ્થાપના કરી છે અને 8 કરોડ યુવાનોને મુદ્રા લોન આપી છે.
2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું
રાષ્ટ્રની માનસિકતામાં બદલાવ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સરકારો ઘણીવાર તેમની સિદ્ધિઓને અગાઉના વહીવટી શાસન સાથે સરખાવે છે, તેમને 10-15 વર્ષ પાછળની સફળતા તરીકે વટાવીને ધ્યાનમાં લે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આ અભિગમ બદલી રહ્યું છે અને સફળતા હવે સિદ્ધિઓથી નહીં પરંતુ ભવિષ્યની દિશા દ્વારા માપવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ભારતની દૂરદર્શી દ્રષ્ટિ પર વધુ ટિપ્પણી કરી અને કહ્યું કે ભારત હવે ભવિષ્ય-કેન્દ્રિત અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું અમારું લક્ષ્ય માત્ર સરકારનું વિઝન નથી પરંતુ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. તે હવે માત્ર જનભાગીદારીનું અભિયાન નથી, પરંતુ રાષ્ટ્રીય આત્મવિશ્વાસનું આંદોલન છે”,. તેમણે ઉલ્લેખ કર્યો કે જ્યારે સરકારે વિકસિત ભારત માટે વિઝન ડોક્યુમેન્ટ પર કામ કરવાનું શરૂ કર્યું ત્યારે લાખો નાગરિકોએ તેમના સૂચનો આપ્યા હતા.